
દરિયા કાંઠાનું કલ્પવૃક્ષ કરશે કિનારાના વિસ્તારની કાયાકલ્પ
કુદરતી દીવાલ ચેરના વૃક્ષો ; દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવે, સુનામી જેવા ભયાનક વિનાશથી દરિયાકાંઠાને બચાવે
ચાલો પર્યાવરણને બચાવવા એક પહેલ કરીએ અને ચેરના વૃક્ષોનું સંવર્ધન કરીએ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગુજરાતના ૧૧ જિલ્લાઓ સાથે મોરબીના વવાણીયા પાસે નવલખી દરિયાઈ વિસ્તાર અને જિલ્લાના વિવિધ ટાપુઓ ખાતે ‘મીષ્ટી’ પ્રોજેકટ અંતર્ગત ચેર ( મેન્ગ્રોવ )નું વાવેતર કરવાનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એ જાણવું પણ જરૂરી બની જાય છે કે દરિયાકાંઠે ચેરના વૃક્ષોનું શું મહત્વ છે.
ચેરના વૃક્ષને દરિયાકાંઠાનું કલ્પવૃક્ષ કહેવામાં આવે છે કારણ કે, તે સમગ્ર કિનારાના વિસ્તારની કાયાકલ્પ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચેરના વૃક્ષની સૌથી અગત્યની બાબત એ છે કે, તે બહુ મોટા પ્રમાણમાં કાર્બનનું ગ્રહણ કરી જીવસૃષ્ટિ માટે પ્રાણવાયુ એવા ઓક્સિજનનું સર્જન કરે છે. ચેર એ વિશ્વnua સૌથી વધુ ઉત્પાદક નિવસનતંત્ર છે, જે માછલી, કરચલા અને અન્ય પ્રાણીઓ માટે રહેઠાણ પ્રદાન કરે છે. ધોવાણ અને વાવાઝોડાના નુકસાનથી કિનારાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને પાણીમાંથી પ્રદૂષકોને ફિલ્ટ૨ કરે છે.
ચેર એ માટીનું ધોવાણ અટકાવે છે જેથી તે દરિયાકાંઠા વિસ્તારમાં કુદરતી દિવાલ તરીકે કાર્ય કરે છે.ચેર એ દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવે છે. ઉપરાંત તે દરિયાઇ બળતણ તેમજ ઔષધિ તરીકે પણ મહત્વ ધરાવે છે. ચેર એ દરિયાઈ તોફાનો, સુનામી જેવા ભયાનક વિનાશથી દરિયાકાંઠાને બચાવે છે. તદઉપરાંત દુષ્કાળ સમયમાં માલ-ઢોરના ચારા તરીકે ઉપયોગમાં લેવાય છે. જળચર જીવો માટે અને દરિયા કિનારાના સંવર્ધન માટે પણ ચેર સવિશેષ મહત્વ ધરાવે છે. મેન્ગ્રોવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રોવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રોવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતા સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રોવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન આશ્રયસ્થાન પૂરૂ
પાડે છે. મેન્ગ્રોવ સ્થાનિક હવામાન પણ સુધારે છે.

મેન્ગ્રોવના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આપણે ત્યાં વાતાવરણ અને જમીનને અનુરૂપ બેડ બનાવી તેમાં સિંગોનું વાવેતર કરી ચેરના વૃક્ષોનું વાવેતર કરવું વધુ સફળ થયું છે. જેથી આગામી સમયમાં વિવિધ કાંઠાના વિસ્તારોમાં આ રીતે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. ત્યારે ચાલો આપણે સૌ પણ દરિયાઈ કાંઠાના વિસ્તારો અને જળચર જીવસૃષ્ટિના સંવર્ધનમાં આપણો ફાળો આપીએ અને ચેરના વૃક્ષનું સંરક્ષણ કરીએ.









