
ચેરના વૃક્ષોના સંવર્ધનમાં દરિયા કાંઠાના સ્થાનિક લોકોની ભૂમિકા મહત્વની
ચેર એ દરિયા કિનારાના માનવ સમુદાય માટે બિન ઈમારતી વન પેદાશો જેવી કે, બળતણ માટે લાકડા, મધ, ગુંદર, ઘાસચારો વગેરે માટેનો એક મહત્વનો સ્ત્રોત
– વન વિભાગના અધિકારીશ્રી ચેતનભાઈ દાફડા

ચેરનું વૃક્ષ એ દરિયા કાંઠા વિસ્તારના લોકો અને માછીમારો માટે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકો ચેરના વૃક્ષનું મહત્વ સમજે અને તેના સંવર્ધનમાં અગત્યની ભૂમિકા ભજવે તે માટે વન વિભાગ દ્વારા વિવિધ સેમીનારનું પણ આયોજન કરવામાં આવે છે.
આ બાબતે દરિયા કાંઠાના સ્થાનિકો સાથે અવારનવાર સેમીનાર યોજતા વન વિભાગના અધિકારીશ્રી ચેતનભાઈ દાફડા જણાવે છે કે, “દરિયાકાંઠાના સંવર્ધન અને જળ સૃષ્ટિ સાથે દરિયા કાંઠાના સ્થાનિક લોકો માટે પણ ચેર મહત્વનું છે. આ માનવ વસતીનો મોટો હિસ્સો પોતાનું જીવનધોરણ ટકાવવા માટે સમુદ્રી સૃષ્ટિ પર આધારિત છે. ચેર એ દરિયા કિનારાના માનવ સમુદાય માટે બિન ઈમારતી વન પેદાશો જેવી કે, બળતણ માટે લાકડા, મધ, ગુંદર, ઘાસચારો વગેરે માટેનો એક મહત્વનો સ્ત્રોત છે.

ચેર એ ભારે પવન અને તોફાનોથી કિનારાનું ધોવાણ અટકાવે છે અને દરિયાઈ તોફાન કે વાવાઝોડા વખતે તેની અસરને ખાળવામાં મદરૂપ બને છે. ઉપરાંત લોકો માટે ઓક્સિજનનું પણ આ વૃક્ષો મહત્વનું અંગ છે ત્યારે વન વિભાગ દ્વારા વિવિધ સેમીનાર કરી તેમને ચેરના વૃક્ષનું મહત્વ સમજાવવા પ્રયાસ કરવામાં આવે છે. જેથી દરિયા કાંઠાના લોકો પણ ચેરના સંવર્ધનમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે”.









