
તા.૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગ્રામ્ય વિસ્તારોને પણ શહેર સમકક્ષ સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ સાયલાના ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાએ સાયલા તાલુકાના નાના માત્રા ગામ પાસે આવેલ કોઝવે પાસે તૈયાર થનાર નવા બ્રીજનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીએ વિધિવત મંત્રોચ્ચારથી પૂજન કરીને તેમજ શ્રીફળ વધેરીને કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી બાવળિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોને પણ શહેર સમકક્ષ સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. લાંબા સમયની જનપ્રતિનિધિઓની માંગણીના ફળસ્વરૂપ આજે રાજ્ય સરકારે આ કામ મંજૂર કર્યું છે આ નમૂનેદાર બ્રિજ ૧૩૨ મીટર લાંબો અને ૭.૫ મીટર પહોળો છે, જે રૂ. ૪.૫૧ કરોડના ખર્ચે તૈયાર થશે. અંદાજે એક વર્ષની અવધિમાં પુરા થનારા આ બ્રીજ સાથે જોડાયેલા એપ્રોચ રોડ પણ ૭.૫ મીટર પહોળા કુલ લગભગ ૧૭૫ મીટર લંબાઈના બનાવવામાં આવશે.

ધારાસભ્યશ્રી કીરીટભાઇ રાણાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજયસરકારના પ્રયત્નોને પરિણામે નિર્માણ થનારા આ બ્રિજથી ધજાળા, ઢીંકવાડી, ગંગાજળ, નાના માત્રા વગેરે ગામોને ચોમાસામાં પડતી તકલીફ દૂર થશે. અને સિંચાઇ તથા પીવા માટે પુરતી માત્રામાં પાણી ઉપલબ્ધ થઇ શકશે.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ડાયાભાઇ જીડિયા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, આસપાસના ગામના સરપંચશ્રીઓ, અગ્રણીશ્રી અશ્વિનભાઈ સાંકળિયા તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો, મામલતદાર શ્રી અંકિત પટેલ, માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીશ્રીઓ અને અન્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
થોડા વર્ષો પહેલા આ કોઝવે સાથે જોડાયેલા એક ગામમાં પ્રસૂતિની ઘટનામાં વહેતા પાણીને લીધે વાહન પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાતા પ્રસૂતાની મદદે હેલિકોપ્ટર પહોંચાડવામાં આવ્યું હતું. અને પ્રસૂતાને એર લિફટ કરીને પ્રસૂતાને બચાવાઇ હતી. ગામના આશાવર્કર શ્રી ભારતીબેન દાણીધારીયાએ સમયસૂચકતા વાપરીને આરોગ્ય તંત્રની મદદ લઈ પ્રસુતાનો બચાવ કર્યો હતો. આમ, સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં થતા આવા વિકાસકાર્યો હકીકતમાં પ્રજા માટે આશીર્વાદરૂપ પુરવાર થાય છે.








