
તા.૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્ય સરકાર દ્વારા કુટીર ઉદ્યોગના કારીગરોને અપાતા આર્ટીઝન કાર્ડનો લાભ રાજકોટ જિલ્લાના ૧૩૫૭ કારીગરોએ લીધો છે. જેમાં સૌથી વધુ ૧૭૨ જેટલા એમ્બ્રોઇડરીના કારીગરોનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા હસ્તકલા અને હાથશાળના વિવિધ ક્રાફ્ટ જેમ કે, હાથ રંગાટ, વણાટ, મેટલવેર, જ્વેલરી, લાકડા અને ટેરાકોટાની કામગીરી, સીરામિક, શણ અને તેમાંથી બનતી અન્ય વસ્તુઓ, હાથ બનાવટના પરંપરાગત સંગીત સાધનો વગેરે જેવા ૬૨ ક્રાફ્ટમાં કામગીરી કરતા કારીગરોને આ આર્ટીઝન ઓળખ કાર્ડ આપવામાં આવે છે. જે મેળવવા માટે કારીગરની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જરૂરી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત ખાતેના વી. સી.ઈ પાસેથી કે વેબસાઈટ www.craftofgujarat.gujarat.gov.inમાંથી વિના મૂલ્યે મળી શકતા આ ઓળખપત્ર મેળવવા માટેના અરજી ફોર્મ સાથે અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડની નકલ, રેશનકાર્ડ અથવા લાઈટ બિલની નકલ જોડી ગ્રામ્ય વિસ્તારના કારીગરોએ ગ્રામ પંચાયત ખાતેના વી.સી.ઈ.ને તેમજ શહેર અને અર્ધ શહેરી વિસ્તારના કારીગરોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ પહોંચતું કરવાનું રહેશે.

આ આર્ટીઝન કાર્ડથી કારીગરને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો તથા સરળ લોન, વીમો અને ક્રેડિટ ગેરંટીનો લાભ પણ મળે છે. રાજ્યકક્ષાએ અથવા રાષ્ટ્રીય કક્ષાએ યોજાતા મેળામાં ભાગ લઈ સીધું વેચાણ કરી શકાય છે તેમજ વિવિધ નામાંકિત સંસ્થાઓ જેવી કે એન.આઇ.ડી, એન.આઈ.એફ.ટી તથા સી.ઈ.પી.ટી મારફતે યોજાતા સ્કીલ અપગ્રેડેશનના સેમિનાર/વર્કશોપમાં ભાગ લઈ કાર્યકુશળતામાં વધારો કરી શકાય છે. www.craftofgujarat.gujarat.gov.in વેબસાઇટ પર આર્ટીઝને તૈયાર કરેલ નમૂનાના રજીસ્ટ્રેશન દ્વારા વૈશ્વિક માર્કેટનો સીધો લાભ પણ મેળવી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કારીગરોને આપવાના એવોર્ડમાં આ કારીગરો સંમેલિત થઈ ભાગ લઈ શકે છે. આવા અનેક લાભ મેળવવા રાજકોટ જિલ્લાના વધુને વધુ કારીગરોને આ આર્ટીઝન કાર્ડમાં નોંધણી કરાવવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર શ્રી કે.વી.મોરીની યાદીમાં જણાવાયું છે.








