
જૂનાગઢ વનવિભાગની અન્યાયી નીતિ, ગીરના માલધારીઓને ખાતર વેચવાની પરમિશન નથી આપતું વનવિભાગ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : ગીર જંગલના ડેડકડી રેન્જ મેંદરડા હેઠળના ખડા નેસમાં વસવાટ કરતા માલધારીને ઢોર / પશુના છાણના ખાતરને વેચવાની મંજૂરી વનવિભાગ દ્વારા આપવામાં આવતી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ગીર પશ્ચિમ ડિવિઝન હેઠળની ડેડકડી રેન્જ હેઠળ આવતા ખડા નેસમાં માલધારી રૈયાભાઈ મુછાળ, ધાનાભાઈ મુછાળ દાયકાઓથી વસવાટ કરી રહ્યા છે, અને પોતાના પશુઓના છાણમાંથી બનાવેલ ખાતરને વેચવા માટે અવારનવાર વનવિભાગમાં અરજીઓ કરવા છતાં વનવિભાગ દ્વારા ખાતર વેચવાની પરમિશન આપવામાં આવતી નથી અને આ માલધારી પરિવારના ખાતરનો ઢગલો નેસ પાસે પડ્યો છે.
સરકારશ્રીના 2002 ના જાહેરનામા અને મુખ્ય વન સંરક્ષકશ્રી વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢના 2006 ના પત્ર મુજબ ગીર નેસના માલધારીઓને રૂ.75/- વાહન ફી અને રૂ.30/- મજૂર ફી લઈને ખાતર વેચવાની પરમિશન આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આમ છતાં વનવિભાગ દ્વારા જોહુકમી કરીને માલધારીઓને હેરાન કરવાની નીતિ આપનાવાઈ રહી છે. જો ચોમાસા પહેલા આ ખાતર વેચવાની પરમિશન આપવામાં નહિ આવે તો આ ખાતર બગડી જવાની સંભાવના છે અને ગરીબ માલધારીઓને મોટાપાયે નુકશાન થવાની નીતિ સેવાઈ રહી છે. માલધારી દ્વારા સતત રજૂઆતો કરાતી હોવા છતાં વનતંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.
તેમજ હાલમાં માત્ર માલધારી દીઠ પાંચ પશુઓની મર્યાદામાં ઘાસ વિતરણની જાહેરાત કરીને માલધારીઓની મજાક કરતું વનવિભાગ હવે ખાતર વેચવાની પરમિશન ન આપીને પડ્યા ઉપર પાટું મારી રહ્યું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.
ગીર અભ્યારણ્યની આસપાસ થતા ગેરકાયદેસર બાંધકામમાં આંખ આડા કાન કરતું વનવિભાગ ગરીબ માલધારીઓને હેરાન કરવામાં માહેર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.





