
તા.૧૩ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિવિધ સરકારી વિભાગોના સંકલનથી પ્રગતિ હેઠળના વિકાસ કામો પૂર્ણ કરવા, પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈની સુચના
રાજકોટ જિલ્લાના પ્રભારી તથા રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ સરકારી વિભાગોના સંકલનથી પ્રગતિ હેઠળના વિકાસ કામો પૂર્ણ કરવા મંત્રીશ્રી પટેલે ઉપસ્થિત અધિકારીઓને સુચના આપી હતી.
પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નિર્માણાધીન વિકાસ કામોની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે.

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાત્રિના સમયે માનવીય ભૂલોથી થતા અકસ્માતો નિવારવા માટે સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને જરૂરી પગલાં લેવા કડક સૂચના આપી હતી. તથા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ રજુ કરેલા જનહિતના પ્રશ્નોનું રજીસ્ટર નિભાવી પ્રશ્નો અંગે કરવામાં આવેલ કામગીરીની સંબંધિત મંત્રીને જાણ કરવા આદેશ આપ્યા હતા.
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના લોધિકા તાલુકાના કાચા રસ્તાના કામો, મવડી-પાળ રી-સર્વેના કામો સહિત સંસદ સભ્યશ્રી રામભાઈ મોકરીયા તથા શ્રી મોહનભાઈ કુંડારીયાના વિવિધ પ્રશ્નો આ બેઠકમાં રજુ કરાયા હતા, જેનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી. આ બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એસ.ટી.ની બસો, આંગણવાડી કેન્દ્ર, ગ્રામ્ય સડકો, વૃક્ષારોપણ વગેરે અંગેના પ્રશ્નો પણ રજૂ થયા હતા.
આગામી તા. ૨૪ થી ૨૮ મે દરમિયાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના ગૌ ટેક એક્સપોનો સંબંધિત સર્વેને લાભ લેવા માટે મંત્રીશ્રીએ રાઘવજીભાઈએ અનુરોધ કર્યો હતો.
નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ. જે. ખાચરે બેઠકના પ્રારંભે ઉપસ્થિતોને આવકાર્યા હતા. અને મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા કુંવરજીભાઈ બાવળિયાનુ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી મહેન્દ્ર પાડલીયા, શ્રી ઉદયભાઇ કાનગડ, શ્રી દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ. જે. દવે, નગરપાલિકાના અધિક કલેકટર શ્રીમતી ઇલાબેન ચૌહાણ, પ્રાંત અધિકારી સર્વશ્રી જે.એન. લિખિયા, શ્રી સંદીપ વર્મા, શ્રી વિવેક ટાંક, શ્રી કે. જી. ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી બ્રિજેશ કાલરીયા, ડી.સી.પી. શ્રી પૂજા યાદવ, મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ કૈલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ. ઠુંમ્મર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એન. એમ. રાઠોડ સહિતના સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓશ્રી ઉપસ્થિત રહ્યા હતા.








