‘KKV ચોક પાસે જોખમી સર્વિસ રોડ રીપેર કરી, બ્રિજનું કામ ઝડપથી પૂરું કરો’ : અજીત લોખિલ

‘કેકેવી ચોક પાસે જોખમી સર્વિસ રોડ રીપેર કરી, બ્રિજનું કામ ઝડપથી પૂરું કરો’ – આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અજીત લોખિલ
દરરોજ પરેશાન થતી જનતાની પરેશાનીને વાચા આપતાં અજીત લોખિલ
રાજકોટના સૌથી વ્યસ્ત એવા કેકેવી ચોક પાસે 2 વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, કામ પૂર્ણ થવા માટે તારીખો પડી રહી છે પરંતુ હજુ સુધી કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે તંત્ર દ્વારા સર્વિસ રોડની જાળવણી ન થતાં મોટા અકસ્માતની ભીતિ સર્જાય છે, જેને તાકીદે રીપેર કરવામાં આવે અને બાકી બ્રિજનું કામ પણ સત્વરે પૂરું કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના અજીત લોખિલે કરી છે.
રાજકોટમાં કેકેવી ચોક અને માધાપર ચોકડી પાસે છેલ્લાં કેટલાય સમયથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. અને આ બ્રિજની કામગીરી સાથે વહન વ્યવહાર માટે કામચલાઉ ધોરણે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. તંત્રની સુસ્તતા અને કોન્ટ્રકરોની ઢીલાસને પગલે આ બેય બ્રિજનું કામ ગોકળ ગતિએ આગળ ધપી રહ્યું છે. તેમાં પણ અતિ વ્યસ્ત કેકેવી ચોક પાસે પસાર થતાં વાહનચાલકો માટે તો સાત કોઠા વીંધવા જેવી હાલત થતી હોય છે. લોકો માટે સર્વિસ રોડ તો રાખ્યો પરતું તે પણ અનેક ખાડા ખબળાવાળો તો ક્યાંક તો ડામરની જગ્યાએ જાણે કાચો રોડ હોય એવી પરિસ્થિતિ જોવા મળે છે.
અત્યંત સંકળા અને તેમાં પણ ખાડા ખબળાને લીધે વાહન સ્લીપ થાય તો મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ છે એટલું જ નહીં કમોસમી વરસાદને પગલે અહીંના સર્વિસ રોડ ચિકણાં થઈ જતાં હોય મોટો અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે તો આવી જ પરિસ્થિતિ માધાપર ચોકડી પાસે પણ જોવા મળે છે. માધાપર ચોકડી પાસે તો મોટા વાહનો પસાર થતાં હોય અહીંથી પસાર થતાં લોકોના જીવ પર જોખમ ઉભું રહે છે ત્યારે જનતાની સુરક્ષા માટે તંત્ર દ્વારા આ સર્વિસ રોડને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના અજીત લોખિલે કરી છે અને બ્રિજનું કામ સત્વરે પૂરું કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.
ગુજરાતમાં બ્રિજ, રોડ-રસ્તાનાં કામો જેવા દરેક કામો કોન્ટ્રાકટરો, સરકારી અધિકારીઓ અને નેતાઓની મીલીભગતથી જાણી જોઈને સમય મર્યાદામાં પૂરા નથી કરવામાં આવતા, જેના ઉપર પેન્લટી વસુલવી જોઈએ તેના બદલે જુદા જુદા બહાનાઓ હેઠળ ટેન્ડર રકમ ઉપરાંતની મોટી રકમ સરકારી તિજોરીમાંથી વસૂલી લે છે. તેનું ઉદાહરણ રાજકોટમાં હમણાજ પૂર્ણ થયેલ હોસ્પિટલ ચોકમાં આવેલો બ્રિજ છે. જેમાં સમય મર્યાદા કરતાં વધુ સમય લીધો અને ટેન્ડર રકમ કરતા ડબલ જેટલા વસૂલી લેવાયા છે. જનતાના પરસેવાની કમાણી આ રીતે બેફામ ભ્રષ્ટાચારમાં વેડફાય છે. આવા ભ્રષ્ટાચારમાં સરકારના અધિકારીઓથી લઈને નેતાઓ સુધીના દરેક ભાગ બટાઈ કરે છે.
જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની ઈમાનદાર સરકારના આવ્યા પછી દરેક સરકારી કામ તેના નિયત સમય કરતાં વહેલા પૂરા થઈ રહ્યા છે ને જનતાના ટેક્સના પૈસાની બચત થઈ રહી છે ને એ બચાવેલા પૈસા માંથી જનતાને સારું શિક્ષણ, સ્વાસ્થય સેવાઓ, ફ્રી વીજળી-પાણી, મહિલાઓને ફ્રી મુસાફરી જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેકેવી ચોક પાસે હાઈલેવલ બ્રિજ બનાવવાની કામગીરી જાન્યુઆરી 2021થી ચાલી રહી છે. જે 20 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થવાનું હતું પરંતુ તે કામ પૂર્ણ ન થતાં નવી તારીખ પડી હતી જે મુજબ 30 એપ્રિલના રોજ કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ તેમાં વધુ એક તારીખ 15 જૂન પડી છે. તો માધાપર ચોકડીએ આવેલો બ્રિજ પણ પૂરો થવામાં હજુ સમય લાગી શકે તેમ છે ત્યારે જનતાને પડતી પારાવાર મુશ્કેલીમાંથી આંશિક રાહત મળે તે માટે તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે.









