
તા.૪ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘‘વિશ્વ રસીકરણ સપ્તાહ’’ અંતર્ગત નદીના પટ, ખેતરોની સીમ-સીમાડે જઈને બાળકોને અપાઈ રસી
વિવિધ રોગો અથવા ચેપને રોકવામાં રસીકરણની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે. રસીના મહત્વને ધ્યાનમાં રાખતા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૪થી ૩૦ એપ્રિલ દરમિયાન “વિશ્વ રસીકરણ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે “ધ બિગ કેચ-અપ” થીમ સાથે આ સપ્તાહ ઉજવાયું હતું. જે અન્વયે રાજકોટ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા રસીથી વંચિત બાળકોને શોધીને રસીકરણ કરવાનું અભિયાન ચલાવાયું હતું. જેમાં નદીના પટ, ગામના સીમાડે કે ખેતરોની સીમ તેમજ છેવાડે ઝૂંપડા બાંધીને રહેતા પરિવારો સુધી જઈને ૨૫૦૦થી વધુ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાના રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર ડૉ. પી.કે. સિંઘે જણાવ્યું હતું કે, ‘‘વિશ્વ રસીકરણ સપ્તાહ’’ અંતર્ગત હાઇરિસ્ક વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ ચલાવાઈ હતી. જિલ્લામાં છેવાડાના વિસ્તારોમાં ઝૂંપડા બાંધીને રહેતા હાઇરીસ્ક વિસ્તારોના ૩૫૦થી વધુ પરિવારોનો સર્વે કરીને આરોગ્ય શાખાની ટીમે આ વિસ્તારોના ૨૫૨૨ બાળકોને રસી આપી હતી. જેમાં ૫૬૬ બાળકોને મિઝલ્સ રૂબેલાનો પ્રથમ ડોઝ તથા ૫૧૩ બાળકોને મિઝલ્સ-રૂબેલાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે ૧૪૪૩ બાળકોને અગાઉ જે રસી આપવાની બાકી હોય, તેમાંની બી.સી.જી., પોલિયો કે એમ.આર. સહિતની વેક્સિનના ડોઝ અપાયા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, રસીકરણની આ કામગીરી માટે જિલ્લાની આરોગ્ય વિભાગની ૪૨૩ ટીમ કામે લાગી હતી. રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ, પી.એચ.સી. તેમજ અન્ય વિભાગોની વિવિધ ગાડીઓમાં ગામડાઓ સુધી જઈને, ત્યાંથી પગપાળા આંતરિયાળ વિસ્તારોમાં ઝુંપડાઓ સુધી પહોંચીને, પરિવારનો સંપર્ક કરાયો હતો અને બાળકોની વિગતો મેળવીને સઘન રસીકરણ કરાયું હતું.









