GONDALRAJKOT

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામમાં ખેડૂતોને અપાઈ પ્રાકૃતિક ખેતીની તાલીમ

તા.૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૭૫ જેટલા ખેડૂતોએ જાણ્યા સજીવ ખેતીથી થતાં મબલખ ફાયદા

“બેક ટુ ધ નેચર – કુદરત તરફ પાછા વળો” એવી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અપીલ અને પ્રાકૃતિક-સજીવ ખેતી માટે તેમણે કરેલા આહ્વાનને પગલે ૧લી મેના રોજ, ગુજરાત સ્થાપના દિવસે વિવિધ ગામોમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરો યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કૃષિ વિભાગ દ્વારા ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે આવી શિબિર યોજાઈ હતી, જેમાં ૭૫ જેટલા ખેડૂતો પ્રાકૃતિક-સજીવ ખેતીના મબલખ ફાયદાથી માહિતગાર થયા હતા.

આ અંગે વિગતો આપતા નાયબ બાગાયત નિયામકશ્રી આર.કે. બોઘરાએ જણાવ્યું હતું કે, મોટી ખીલોરી ગામે પંચાયત હોલમાં ગ્રામજનો માટે પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામદીઠ ૭૫ પ્રાકૃતિક ખેડૂત તૈયાર કરવાના પ્રયાસોના ભાગરૂપે આ શિબિર યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં થતી વૃદ્ધિ, જમીનને થતા ફાયદા, ખર્ચમાં નાણાંનો બચાવ, પ્રાકૃતિક ખેતીની સરળતા તેમજ પ્રકૃતિને થતા ફાયદાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક-સજીવ ખેતી માટે જીવામૃત બનાવવા, કુદરતી ખાતર બનાવવા સહિતની સરળ પ્રક્રિયાઓ અંગે પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને મુંઝવતા સવાલોનું સમાધાન પણ તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના ફાયદા જાણીને ખેડૂતોએ તેને અપનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.આ તકે મદદનીશ ખેતી નિયામકશ્રી નિલેશભાઈ રામોલિયા, બાગાયત અધિકારીશ્રી અજયભાઈ તથા ગોંડલ તાલુકા વિસ્તરણ અધિકારી હાજર રહ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button