
તા.૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાત રાજયમાંથી બાળ શ્રમયોગી પ્રથા નાબૂદ કરવા દરેક જિલ્લામાં કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચરના અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ઇન્ચાર્જ મદદનીશ શ્રમ આયુક્ત અને સભ્ય સચિવ એ.બી. ચંદારાણાએ જાન્યુઆરી થી એપ્રિલ માસ સુધી શ્રમ વિભાગે કરેલી કામગીરી અંગે વિગતવાર માહિતી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા ચાર માસમાં કુલ ૯ રેડ પાડવામાં આવી હતી. તેમજ કુલ ૮ બાળશ્રમિકો તથા ૧૪ તરૂણ શ્રમિકોને મુકત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમયાંતરે ઔધોગિક વસાહતોમાં અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી ખાચરે બાળ શ્રમિક પ્રથા નાબૂદ થાય અને લોકોમાં જાગૃતિ આવે તેના માટે સઘન આયોજન સાથેની નક્કર કામગીરી કરવા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ જાગૃતિ ફેલાવવાનું સુચન કર્યું હતું. તેમજ મુક્ત કરાયેલ બાળ તેમજ તરૂણ શ્રમિકોને તેમના મૂળભૂત અધિકારો મળે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
આ બેઠકમાં સંબંધિત સરકારી વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








