વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ધરમપુરના આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન

સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક સાહિત્યો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવામાં આવ્યા છે
===
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૩ એપ્રિલ
વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ધરમપુરના આંબાતલાટ ખાતે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના ફંડ અને સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી અને RAINBOW WARRIORS DHARAMPUR, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને જય બજરંગબલી યુવક મંડળ, આંબાતલાટ સંચાલિત “ઉમિયા વાંચન કુટિર”નું ઉદઘાટન કરાયું હતું. આ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો, અભ્યાસના પુસ્તકો તેમજ બીજા અનેક પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે દરેક સાહિત્યો મળી રહેશે. તેમણે પુસ્તકોની શોધમાં દૂર જવાની જરૂર રહેશે નહીં તેમજ લાઈબ્રેરીમાં જ શાંતિપૂર્ણ વાતવરણમાં વાંચન પણ કરી શકશે. તેના માટેની બેઠક વ્યવસ્થા સાથે સાથે કોમ્યુટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના દ્વારા વિનામુલ્યે પરીક્ષાઓના ફોર્મ ભરી શકાશે. લાયબ્રેરી બનાવવામાં સંસ્થાઓ સાથે ગામલોકોએ પણ ખુબ જ સાથ સહકાર આપ્યો હતો.
લોકાર્પણ પ્રસંગની સાથે સાથે ગામના નિવૃત નાગરિકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતાં તેમનો પણ સત્કાર કરવામાં આવ્યો હતો. તમામ મહેમાનોનું ફૂલછોડ આપી સ્વાગત કરાયું હતું. વક્તાઓએ પુસ્તક એક વ્યક્તિનું જીવન સાચી દિશામાં લઈ જવા અને સફળતા અપાવવા માટે સમર્થ હોય છે એમ કહ્યું હતું. આજના સમયમાં ગામો સુધી ભણતરની અનેક સુવિધાઓ મળે છે જેથી ધગશથી મહેનત કરી જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપી હતી.
સંચાલકોએ લાઈબ્રેરીમાં વાંચનનો લાભ લેવા માંગતા હોય કે કોઈપણ રીતે મદદરૂપ થવા માંગતા હોય તો ૯૪૨૭૧૨૦૫૨૬ પર સંપર્ક કરવા વિનંતી કરી હતી. થોડા સમયમાં જ લાયબ્રેરીમાં રજાના દિવસોએ સ્પર્ધાત્મક પરીક્ષાના વિનામૂલ્યે ક્લાસિસ પણ શરૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓને સાચુ માર્ગદર્શન પણ મળશે એમ જણાવી પરીક્ષાની તૈયારી કરતા દરેક લોકોને લાભ લેવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મોહનભાઈ પી. પટેલે ઉપસ્થિત રાહી પુસ્તકોનું વ્યક્તિના જીવનમાં શું મહત્વ છે તે સમજાવી આ લાયબ્રેરી યુવાનો અને વિદ્યાર્થીઓને ઘણી લાભદાયી બનશે એમ જણાવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ઉમિયા સોશ્યલ ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, કસ્ટમ વિભાગના ચીફ એકાઉન્ટ ઓફિસર હિતેશભાઈ આર પટેલ, આંબાતલાટના સરપંચ શ્રીમતી નીરૂબેન ચૌધરી, ગામના અગ્રણીઓ, નિવૃત અધિકારીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.










