
તા.૧૯ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી-SWAGAT ની શરૂઆત ૨૦૦૩માં થયેલ હતી, જેને હાલ ૨૦ વર્ષ પુર્ણ થવા જઈ રહ્યા છે, તે નિમિત્તે નાગરિકો સરકારશ્રીના લોકાભિમુખ વહીવટના અભિગમથી પરિચિત થઇ તેનો લાભ લઈ શકે તે ઉદ્દેશથી એપ્રીલ માસના ચોથા સપ્તાહને ‘સ્વાગત’ સપ્તાહ તરીકે ઉજવાશે. આ કાર્યક્રમ માટે વિવિધ તાલુકાના ગામોમાં કેમ્પ કરી લોકપ્રશ્નો મેળવવામાં આવ્યા હતા, જેનું નિવારણ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં તા. ૨૪થી ૨૬ એપ્રિલ દરમિયાન તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ સંબંધિત તાલુકા કચેરી ખાતે સવારે ૧૧ વાગ્યે યોજાશે. આ કાર્યક્રમોમાં સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીગણ હાજર રહેશે.

જે અંતર્ગત તા.૨૪ના રોજ ગોંડલ ખાતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, ધોરાજી ખાતે ડી.આર.ડી.એ. નિયામકશ્રી આર.એસ.ઠુમ્મર, પડધરી ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી, રાજકોટ તાલુકા ખાતે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ અને શહેર (દક્ષિણ) કાર્યક્રમ નગરપાલિકાઓના અધિક કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાશે.
તા.૨૫ના રોજ જેતપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ઉપલેટા ખાતે નગરપાલિકાઓના અધિક કલેકટરશ્રી, લોધિકા ખાતે જિલ્લા કલેકટરશ્રી, રાજકોટ શહેર (પૂર્વ) ખાતે ડી.આર.ડી.એ. નિયામકશ્રી અને કોટડાસાંગાણી ખાતે રાજકોટ પોલીસ અધીક્ષકશ્રીની અધ્યક્ષતામાં યોજાશે.
તા.૨૬ના રોજ જસદણ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વિંછીયા ખાતે ડી.આર.ડી.એ. નિયામકશ્રી, , જામકંડોરણા ખાતે નગરપાલિકાઓના અધિક કલેકટરશ્રી અને રાજકોટ શહેર (પશ્ચિમ) ખાતે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાશે.
૨૭મી એપ્રિલે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના વડપણ હેઠળ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ હલ ન થઈ શક્યા હોય તેવા જિલ્લા સ્તરના કે અન્ય પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવશે. આ જ દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો સ્વાગત-ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તેમ કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.








