
તા.૧૭ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આજે ૧૭મીએ અરજીઓ સ્વીકારવાના છેલ્લા દિવસે ગામોમાં લોકપ્રશ્નો સ્વીકારવાનું ચાલુઃ સ્વાગત સપ્તાહ નિમિત્તે યોજાનારા તાલુકા-જિલ્લા કક્ષાના કાર્યક્રમ
‘પ્રજાલક્ષી પ્રશાસન’ના સૂત્ર સાથે કામ કરતી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની ગુજરાત સરકારે એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએથી લોકોના પ્રશ્નો મેળવીને ઓનલાઈન ફરિયાદ નિવારણ-સ્વાગત કાર્યક્રમમાં તેનું નિવારણ લાવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં હાલ વિવિધ ગામોમાં કેમ્પ કરીને, લોકોના પ્રશ્નો મેળવાઈ રહ્યા છે.
આ અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં જિલ્લામાંથી ગ્રામ્ય સ્તરેથી ૩૦૭ જેટલી અરજીઓ મળી છે. આ ઉપરાંત આજે ૧૭મીએ ગ્રામ્ય કક્ષાએ લોકોના પ્રશ્નો સ્વીકારવાનો છેલ્લો દિવસ છે અને ગ્રામ્ય ટીમ દ્વારા આ પ્રશ્નો સ્વીકારવાનું ચાલુ છે.
આાગામી તા.૨૪થી ૨૬ એપ્રિલ દરમિયાન તાલુકા કક્ષાનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ-સ્વાગત યોજાશે. જેમાં ઉચ્ચ-સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકો પાસેથી મેળવાયેલા પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવશે. બાદમાં ૨૭મી એપ્રિલે કલેક્ટરશ્રી પ્રભવ જોશીના વડપણ હેઠળ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ હલ ના થઈ શક્યા હોય તેવા જિલ્લા સ્તરના કે અન્ય પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવશે. આ જ દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો સ્વાગત-ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.