જસદણ અને વિંછીયા ખાતે યોજાયેલ “આશા સંમેલન”માં આરોગ્યલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોનું કરાયું સન્માન

તા.૧૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“વ્યસનમુકત સમાજનાં નિર્માણ માટે બહેનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે” મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા ખાતે જળસંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને “આશા સંમેલન” યોજાયું હતું. આ કાર્યક્રમમાં આરોગ્યલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત ઈનામ તથા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આરોગ્ય ક્ષેત્રના મૂળમાં રહેલા પાયાના કાર્યકર એવા આશા બહેનોને પ્રોત્સાહીત કરતા મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જ્યારે લોકો ઘરોમાં બંધ હતા ત્યારે આ આશાવર્કરો ઘરે-ઘરે જઈને પોતાનું કામ કરતાં હતાં. નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી કાર્ય કરતા આશા બહેનો થકી આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી થઇ રહી છે તેવો ભાવ મંત્રીશ્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો. લોકોમાં જાગૃતિના અભાવે બનતાં અજુગતા બનાવો અટકાવવા માટે આશા બહેનો કડીરૂપ બની “આંગળી ચીંધ્યાનું પુણ્ય” કમાઇ શકે છે. વ્યસનમુકત સમાજનાં નિર્માણ માટે બહેનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તે માટે આશા બહેનો મહીલાઓને સમજાવી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે પુષ્પગુચ્છ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને સત્કારવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો. સી.કે.રામએ પ્રાસંગિક ઉદબોધન કરી આશા બહેનોની કામગીરી વર્ણવી હતી. જિલ્લા સુપરવાઈઝરશ્રી સુરેશભાઈ મુંગરાએ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બહેનોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ કેમ્પમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સવિતાબેન વાસાણી, તાલુકા પંચાયતના હોદેદારશ્રીઓ, સદસ્યો, નગરપાલિકાના હોદેદારશ્રીઓ, સદસ્યો, અગ્રણીશ્રીઓ, જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, જસદણ સરકારી હોસ્પિટલના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.








