INTERNATIONAL

એક કિ.મી.ના કદનો લઘુગ્રહ ઝડપી ગતિએ પૃથ્વી નજીક આવી રહ્યો છે

નવી દિલ્હી : એક લઘુગ્રહ પૃથ્વીથી નજીક આવી રહ્યો છે ત્યારે સેટેલાઈટો તેના પર ચાંપતી નજર રાખી રહી છે. લઘુગ્રહ ૪૩૭૭૬૪ (૨૦૧૨કેવાય૩) અથવા કેવાય૩ સૂર્ય તરફ પોતાના ભ્રમણ દરમ્યાન ૧૩મી એપ્રિલે પૃથ્વીથી ૪૭,૮૪,૧૩૯ કિલોમીટરના અંતરેથી પસાર થશે. તેનાથી પૃથ્વીને કોઈ જોખમ નથી છતાં પણ વૈજ્ઞાનિકો તેની હલનચલન પર નજર રાખી રહ્યા છે.

લઘુગ્રહો લગભગ સાડાચાર અબજ વર્ષ અગાઉ સૌર મંડળની રચના દરમ્યાન બચેલા અવશેષોના ખડકાળ ટૂકડાઓ છે. ૨૦૧૨ કેવાય૩ને નીયર અર્થ ઓબ્જેક્ટ(એનઈઓ) એટલે કે પૃથ્વીની નજીકના પદાર્થ તરીકે વર્ગીકૃત કરાયો છે. તેનું કદ માંડ અડધાથી એક કિલોમીટર વચ્ચે છે.

નાસા જોઈન્ટ પ્રોપલ્ઝન લેબોરેટરી અનુસાર કોઈપણ લઘુગ્રહને ત્યારે જ નીયર અર્થ ઓબ્જેક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જ્યારે પૃથ્વીથી તેનું અંતર પૃથ્વીથી સૂર્યના અંતરથી ૧.૩ ગણુ ઓછું હોય. આ લઘુગ્રહ પ્લેનેટ કિલરની શ્રેણીમાં આવે છે કારણ કે એક કિલોમીટરથી વધુ કદના લઘુગ્રહમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકવાની ક્ષમતા હોય છે. ૨૦૧૨કેવાય૩ જો કે પૃથ્વી માટે કોઈ જોખમ નહિ સર્જે અને તે સુરક્ષિતપણે પૃથ્વીથી ૪૭ લાખ કિલોમીટરથી વધુ અંતરે પસાર થઈ જશે.

આમ તો આ લઘુગ્રહની શોધ ૨૦૧૨માં થઈ હતી પણ જેટ પ્રોપલ્શન લેબોરેટરી છેક ૧૯૦૪થી તેની હલનચલન પર નજર રાખી રહી હતી. છેલ્લે જ્યારે આ લઘુગ્રહ પૃથ્વીથી નજીક જાન્યુઆરી ૨૦૧૯માં આવ્યો ત્યારે તે આપણા ગ્રહથી ૬ કરોડ કિલોમીટર દૂર હતો. હવે ૨૦૨૫માં તે પાછો પૃથ્વી નજીક આટલા જ અંતરે આવશે. આ લઘુગ્રહની સૂર્ય ફરતે ચાર વર્ષ લાંબી ભ્રમણકક્ષા છે.

આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી સુરક્ષિતપણે પસાર થઈ જશે પણ જો કોઈ લઘુગ્રહની પૃથ્વી સાથે અથડાવાની સંભાવના હોય તો તેને વાળી દેવાની ક્ષમતા વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. નાસાએ તાજેતરમાં જ તેના એસ્ટેરોઈડ કિલર મિશન – ધી ડબલ એસ્ટેરોઈડ રિડાયરેક્શન ટેસ્ટ (ડીએઆરટી)ની ચકાસણી કરી હતી, જે આવા લઘુગ્રહ સાથે અથડાઈને તેની ભ્રમણકક્ષાને થોડી બદલી નાખે છે.

[wptube id="1252022"]
Back to top button