NATIONAL

પતિને માતા પિતાથી અલગ કરવો ક્રૂરતા, પત્નિથી છૂટાછેડા લઇ શકે : કલકત્તા હાઇકોર્ટે

કોલકાતા : જો કોઇ મહિલા પોતાના પતિને તેના માતા પિતાથી અલગ કરવાનો પ્રયાસ કરે કે અલગ રહેવા માટે દબાણ કરે તો તે છૂટાછેડાનો આધાર બની શકે છે. કલકત્તા હાઇકોર્ટે છૂટાછેડાના એક મામલામાં સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે પતિને તેના માતા પિતાથી અલગ રહેવા માટે દબાણ કરવું માનસિક ક્રૂરતા છે. જેના આધારે પતિ છૂટાછેડા લઇ શકે છે.

કલકત્તા હાઇકોર્ટે નોંધ્યું હતું કે પુત્રની એ ફરજ બને છે કે તે પોતાના માતા પિતાનું ધ્યાન રાખવાનું નૈતિક કર્તવ્ય નિભાવે. ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાની સાથે પુત્રોનું રહેવુ સામાન્ય બાબત છે. હાઇકોર્ટની બેંચમાં સામેલ ન્યાયાધીશ સૌમેન સેન અને ન્યાયાધીશ ઉદય કુમારે આ સાથે જ મહિલાની એ અરજીને રદ કરી દીધી હતી, જેમાં મહિલાએ ફેમેલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ફેમેલી કોર્ટે પતિની અરજીને માન્ય રાખી હતી અને છૂટાછેડાને મંજૂર કર્યા હતા.

આ મામલો ૨૦૦૯નો છે. જેમાં પશ્ચિમી મિદનાપુરની ફેમેલી કોર્ટ સમક્ષ પ્રશાંત કુમારે પોતાની પત્ની ઝરનાથી છૂટાછેડાની માગણી કરી હતી. જેમાં પતિએ પત્ની પર આરોપ લગાવ્યો હતો કે તે માતા પિતાથી દૂર કરવાનો પ્રયાસ કરે છે અને આમ કરીને તે મને માનસિક ત્રાસ આપે છે. સાથે જ જાહેરમાં તેણે મારુ અનેક વખત અપમાન પણ કર્યું છે. કોર્ટે આ દલિલોને માન્ય રાખી હતી અને છૂટાછેડાને મંજૂર કર્યા હતા. જે બાદ ફેમેલી કોર્ટના આ ચુકાદાને પત્નીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઇકોર્ટે છૂટાછેડાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને પત્નીની અરજીને રદ કરી દીધી હતી. સાથે જ કહ્યું હતું કે પત્ની જો પતિને તેના માતા પિતાથી અલગ થવા મજબૂર કરે તો તેના આધારે પતિ છૂટાછેડા લઇ શકે છે. કેમ કે માતા પિતાને દૂર કરવા તે માનસિક ક્રૂરતામાં આવે છે.

અગાઉ ફેમેલી કોર્ટે નોંધ્યું હતું કે વર્ષ ૨૦૦૧માં બન્નેના લગ્ન થયા હતા, જે બાદથી બન્ને વચ્ચે સંબંધો સારા નહોતા. ઝરનાએ જાહેરમાં પોતાના પતિ પ્રશાંતનું અપમાન કર્યું હતું. અને બેરોજગાર અને કાયર પણ કહ્યો હતો. જે બાદ પ્રશાંત કુમારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. પ્રાઇવેટ ટયૂશન પણ કર્યું હતું, જોકે આ સમયે ઝરના પણ કમાણી કરી રહી હતી પણ તેણે પતિને કોઇ જ આર્થિક મદદ નહોતી કરી. જ્યારે પ્રશાંત એક સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પણ પત્નિએ મદદ કરવાના બદલે પ્રશાંતની સામે ક્રિમિનલ કેસ કરી દીધો હતો. અને માતા પિતાથી અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button