
તા. ૧ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ ગ્રામ્ય, જિલ્લામાં અન્ય રાજ્યમાંથી કે અન્ય જિલ્લામાંથી કે દેશ બહારથી આવતા ત્રાસવાદી કે અસામાજિક તત્વોને શોધી પકડી પાડવા અને ગંભીર પ્રકારના ગુનાઓ થતા અટકાવવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી, પોરબંદર- રાજકોટ પર ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે- ૮૩ કી.મી,ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે -૧૫૭ કી.મી., રાજ્ય ધોરીમાર્ગ રાજકોટ-જામનગર-વાડીનાર પર પડધરી તાલુકાના વણપરી ગામ પાસે કાર્યરત ટોલ નાકા પરના વાહનોના પુરેપુરા રજીસ્ટ્રેશન નંબરોની નોંધણી થાય તેમજ આવા વાહન અને વાહન ચાલકોના ફોટોગ્રાફ્સ પણ લઈ ડેટાબેઝમાં જાળવવા માટે ટોલનાકા તેમજ ટોલના સર્વિસ રોડ પરથી પસાર થતાં તમામ વાહનોના નંબર પ્લેટ અને વાહન ચાલક સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવી ટોલનાકામાંથી પસાર થતા તમામ વાહનોનું રેકોર્ડિંગ કરવા અને સંપૂર્ણ વિગતોની નોંધણી કરવા અને અધિક પોલીસ મહાનિર્દેશકના પત્ર અનુસારના સ્પેસિફિકેશન ધરાવતા કેમેરા લગાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજકોટ કે. બી.ઠકકરે હુકમો કર્યા છે.

ઉપરાંત સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુન્હાઓ અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે હાઈવે ઉપરના પેટ્રોલપંપ, હોટલો, સિનેમાહોલ, મોટા મંદિરો, સાયબર કાફે, જવેલર્સની દુકાનો અને હોસ્ટેલો ઉપર સ્થાનિક માલિકો/સંચાલકો દ્રારા બિલ્ડીંગની અંદર અને બહાર જાહેર રોડને કવર કરે તે રીતે સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. આવા સીસીટીવી કેમેરા નાઈટ વિઝન તથા હાઈ ડેફિનેશનના રાખવા, પૂરતી સંખ્યાના કેમેરા રાખી વ્યક્તિ કે વાહન આઇડેન્ટીફાઈ થઈ શકે તેવી રીતે ગોઠવવા. આવા ડિજિટલ રેકોર્ડિંગ તેમજ કોમ્પ્યુટર નોંધણીનો ડેટા બેકઅપ ૨૦ દિવસ સુધીનો જાળવી રાખવા અને સલામતી વિષયક બાબતોએ પોલીસ સહિતની કોઈપણ એજન્સી આવા ડેટાની માગણી કરે તો ત્વરાએ ઉપલબ્ધ કરાવવાના આદેશો પણ કર્યા છે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.








