
તા.૨૮ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ ૭૭ જેટલા બાળકો અને તેમના પરિવારજનોને સહાય અંગેની કામગીરીની માહિતી પુરી પાડી
ગરીબ પરિવારજનોના પુનઃવસન અને યોજનાકીય લાભો દ્વારા તેમના બાળકોને શિક્ષણ મળે તે માટે કામગીરી કરવા અનુરોધ કરતા મુખ્ય સચિવશ્રી
નિરાધાર શેરી બાળકો તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના પરિવારજનોના પુનઃવસન અને વિવિધ યોજનાકીય લાભો આપી તેમના ઉત્કર્ષ માટે સંવેદનશીલ સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન અર્થે મુખ્ય સચિવશ્રી રાજ કુમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યભરના કલેક્ટરશ્રીઓ દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની વિગત પુરી પડાઈ હતી.

મુખ્ય સચિવશ્રીએ નિરધાર બાળકો તેમજ ગરીબ પરિવારના બાળકોના ઉત્કર્ષ માટે કેવા-કેવા પગલાંઓ લેવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ગરીબ પરિવારને આવાસ, રાસન, આરોગ્ય, રોજગારી અર્થે મદદરૂપ બની તેઓના બાળકો શિક્ષણનો અધિકાર ભોગવે તે પ્રકારે માનવીય અભિગમ અપનાવી સંવેદના સાથે મદદરૂપ બનવા જણાવ્યું હતું.
સચિવશ્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ઉપરાંત તેમના પરિવારજનોને રેશનકાર્ડ, આધાર કાર્ડ, શ્રમિક કાર્ડ, આપી તેઓને અન્ય મળવા પાત્ર લાભો અપાવવા જરૂરી કામગીરી કરવા સૂચન કર્યું હતું. આ સાથે સામાજિક સંસ્થાઓના સહયોગથી નિરાધાર બાળકોને દત્તક લેવડાવી પાલક વાલી મળી રહે તે દિશામાં કામગીરી કરવા પણ ખાસ સૂચન કર્યું હતું.
આ તકે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ સમાજ સુરક્ષા વિભાગના સહયોગથી નિરાધાર તેમજ જરૂરિયાતમંદ ૭૭ જેટલા બાળકોને અને તેમના પરિવારજનોને પુરી પાડવામાં આવેલી સહાય અંગે માહિતી રજુ કરી હતી. આ બાળકોને મળવા પાત્ર આર્થિક સહાય તેમજ શાળામાં દાખલો, અન્ન બ્રહ્મ યોજના, રેશન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ સહિતની સહાયની વિગતો પુરી પાડી હતી.
મુખ્ય સચિવ શ્રી દ્વારા જરૂરિયાતમંદ બાળકોના પરિવારજનોના પુનઃવસન પર ભાર મૂકી તેઓ આર્થિક રીતે મજબૂત બને અને તેમના બાળકો શિક્ષિત બને તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી હોવાનું આ તકે જણાવ્યું હતું.
કલેકટર કચેરી ખાતે સમાજ સુરક્ષા વિભાગના શ્રી પ્રાર્થનાબેન સેરસીયા જોડાયા હતાં.








