નવસારી ખાતે”ગુજરાતી સાહિત્ય-સંગીત શિબિર”કાર્યક્રમ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ઈટાળવા ખાતે યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હસ્તકના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના દ્વારા આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી દ્વારા સંચાલિત તેમજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સહયોગથી ઈટાળવા ખાતે જીલ્લા કક્ષા ગુજરાતી સાહિત્ય–સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ સેશનમાં કોલમિસ્ટ શ્રી જવલંત નાયકે “સાહિત્ય અને પત્રકારત્વ” વિષે ખુબ જ ઊંડાણપૂર્વક વાતો કરી હતી. નર્મદ – ગાંધીની સફળતામાં પત્રકાર તરીકેના તેમના યોગદાનની વાતો કરી હતી. સેશનનું સંચાલન DIET ના પ્રાધ્યાપક શ્રી રોહિત પટેલે કર્યું હતું.
બીજા સેશનમાં ગુજરાતના જાણીતા નાટ્યકાર અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત શ્રી કપિલદેવ શુક્લએ “સાહિત્ય અને નાટ્ય” વિષય પર ભગવત ગીતાના ઉદાહરણો અને અભિનય સહીતની વાતો કરી હતી. સેશનનું સંચાલન સરદાર પટેલ બી.એડ.કોલેજનાં આચાર્ય શ્રી સંજય પટેલે કર્યું હતું.
તૃતીય સેશન જાણીતા કવિ અને ગઝલકાર શ્રી કિરણસિંહ ચૌહાણે “સાહિત્ય અને સંગીત તથા કાવ્ય” વિષય પર છંદ, અલંકાર, લય વગેરે આધારિત પ્રવચન આપ્યાં, જેમાં તેમણે પોતે ગાયકી દ્વારા પણ રજૂઆત કરી હતી. સેશનનું સંચાલન નારણલાલા બી. એડ. કોલેજનાં આચાર્યા શ્રી અનિતાબેન પટેલે કર્યું હતું.
ચોથા સેશનમાં આશ્રમશાળા ભક્તાશ્રમના નિયામક અને શિક્ષણવિદ્દ ડો. ધર્મેશ કાપડીયાએ “સાહિત્ય અને વાચક વિશ્વ”” વિષય પર વાતો કરતા કહ્યું હતું કે, “શિક્ષકે પુષ્કળ વાંચવું જોઈએ તો જ તે આવનારી પેઢીનું ઘડતર કરી શકશે અને ભવિષ્યમાં મૌલિક સર્જક તૈયાર થશે”. ત્યારબાદ કવિ સંમેલન યોજાયું હતું. જેમાં બી.એડ.તાલીમાર્થી શૈલેશભાઈ તેમજ જાણીતા કવિગણ અંકિત ત્રિવેદી, કિરણસિંહ ચૌહાણ તથા ડો. ધર્મેશ કાપડીયાએ પોતાની મૌલિક રચનાથી તાલીમાર્થીઓના હદય જીતી લીધા હતા.
અંતિમ સેશનમાં ગુજરાતી સાહિત્યમાં રચાયેલ અદ્દભૂત અને વિવિધ માનવસંબંધો પર આધારીત ગીતોનું શ્રી અંકિત ત્રિવેદીના નેતૃત્વમાં સંગીતવૃંદ દ્વારા રજુ થયા હતા, જેમાં કુદરત સાથે, દેશની ઘરતીસાથે, માતા સાથે, બાપ – દીકરી, ભાઈ-બહેન, પતિ-પત્ની, પ્રેમી-યુગલ, દોસ્ત વગેરે સંબંધ પર આધારિત અદભૂત રચનાઓ સંગીતવૃંદ દ્વારા રજુ થઇ હતી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સેશન સંચાલન પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીમતી અંજુબેન પરમારે કર્યું હતું.
DIET, સરદાર પટેલ બી.એડ.કોલેજ, જલાલપોર અને નારણલાલા બી.એડ. કોલેજના ૨૫૦ થી વધુ તાલીમાર્થીઓ તથા પ્રાધ્યાપકો આ શિબિરમાં જોડાયા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં શરૂઆતમાં જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેનભાઈ પટોડિયાએ શિબિર આયોજન પાછળના ઉદ્દેશો અને ગુજરાત સરકાર દ્વારા થતાં યુવાત્થાનનાં વિવિધ કાર્યક્રમો વિષે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. રાજેશ્રી ટંડેલ વિશેષ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં કન્વીનર તરીકે સફળ આયોજન DIET ના પ્રાધ્યાપક શ્રી રોહિતભાઈ પટેલ શ્રી અંકીતભાઈ ત્રિવેદી તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી વિરલભાઈ ચૌધરીની જહેમતથી થયું હતું.
આ પ્રસંગે ભક્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખશ્રી ભાસ્કરભાઈ ભક્ત, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી જવલંત નાયક ઉપસ્થિત રહયાં હતાં.



