
રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે વિપક્ષ માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ પદ લોકસભા સચિવાલયે રદ કરતાં આ મામલે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગુરુવારે સુરતની કોર્ટે તેમને મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં દોષિત જાહેર કરતાં બે વર્ષની સજા ફટકારી હતી અને તેમને 15 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ત્યારબાદ તેમને જામીન પણ અપાયા હતા. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. હવે આ મામલે કોંગ્રેસ તરફથી સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ તરફથી ભાજપ સામે તીખા પ્રહારો થઈ રહ્યા છે. દરમિયાન સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આગામી એપ્રિલમાં વાયનાડમાં પેટા ચૂંટણી થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ચૂંટણી પંચ આ મામલે વિચારી રહ્યું છે.
રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ મોદી અટક વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ કારણે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. જો કે કોર્ટે એક મહિના માટે સજા પર રોક લગાવી હતી. જેનાથી તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે પરંતુ તેમની સજા પર સ્ટે મૂકાયો નહોતો. કોર્ટે તેમને જામીન પણ આપ્યા છે. રાહુલ ગાંધી આ મામલે કોઈ ઉપાય કરે તે પહેલા જ તેમને આંચકો આપતા લોકસભા સચિવાલય તરફથી આ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી હતી અને તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.










