
તા.૨૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ રેસકોર્સ ખાતે આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ. ભાર્ગવસિંહ ઝનકાટના માર્ગદર્શન હેઠળ કાર્યરત “શી” ટીમે રાજકોટના ત્રંબા ખાતે આવેલ બી.જી.ગરૈયા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી ૫૦૦થી વધુ મેડિકલ ક્ષેત્રની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડીફેન્સ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ સેલ્ફ ડિફેન્સ અંગે કરાટેના અલગ અલગ દાવોનો ડેમો કરાટે ટીમના શ્રી કિરણબેન ચૌહાણ અને મેહુલભાઈ ચૌહાણએ આપ્યો હતો.

વર્તમાન સમયમાં થતી મહિલાઓની પજવણી, જાતીય સતામણી, છેડતી વગેરેના બનાવો સામે રક્ષણ મેળવવા અંગે “શી” ટીમના મહિલા કોન્સ્ટેબલ પલ્લવીબેન બાબુભાઈએ તલસ્પર્શી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓની રક્ષા માટે બનાવાયેલા કાયદાઓ અને કાયદાકીય કલમોની તથા મહિલાઓ માટે થતી ‘શી ટીમ’ની કામગીરી અંગે કોન્સ્ટેબલ મધુબેન કિશોરભાઈએ પણ વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીકાળ દરમ્યાન પરીક્ષામાં ઓછા માર્કસના લીધે ડીપ્રેશન, મુંઝવણ જેવી માનસિક સમસ્યાઓની બાબતોના નિરાકરણ માટે “જીવન આસ્થા” હેલ્પલાઇન અંગે કોન્સ્ટેબલ રાજલબેન વિજયદાને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રોફેસરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા.









