JETPURRAJKOT

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજનાબેન પંવાર રાજકોટની મુલાકાતે

તા.૨૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સફાઈ કામદારોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવવા ઉપાધ્યક્ષાનો અનુરોધ-ફરજ દરમિયાન થતા મૃત્યુ અટકાવવા અધિકારીઓને તાકીદ

ચાલુ નોકરીએ મૃત્યુ પામનાર ૫૭ સફાઈ કામદારો અને સફાઇ દરમિયાન ગંભીર રીતે ઘાયલ ૯૪ સફાઈ કામદારોના વારસદારોને નોકરી અપાઈ

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજનાબેન પંવારે સફાઈ કરતી વખતે ગૂંગળાઈ જવાને કારણે બે સફાઈ કામદારોના થયેલ આકસ્મિક મૃત્યુ સંદર્ભે રાજકોટની મુલાકાત લીધી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ઉપાધ્યક્ષ શ્રીમતી અંજનાબેને તાકીદ કરતા જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પ્રશ્નો પ્રત્યે રાજકોટ મહાનગરપાલિકાએ સંવેદનશીલ અભિગમ દાખવવો જોઈએ અને સફાઈની ફરજ દરમિયાન થતા મૃત્યુ કોઈ પણ ભોગે અટકવા જ જોઈએ.

સફાઈ કામગીરીમાં જોડાયેલા કાયમી કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ તથા હંગામી કર્મચારીઓને નિયમ મુજબના મળવાપાત્ર તમામ સરકારી લાભો ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ આકસ્મિક સંજોગોમાં મૃત્યુ પામતા સફાઈ કામદારો અંગેની રાજકોટ મહાનગરપાલિકાની જોગવાઈઓનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો. અને ઉમેર્યું હતું કે ચાલુ નોકરીએ મૃત્યુ પામનાર ૫૭ સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવામાં આવી છે, જયારે સફાઈ કામગીરી દરમિયાન થયેલી ઈજાને લીધે નોકરી કરવા અશક્ત અથવા તો ગંભીર રૂપથી બીમાર થયેલ ૯૪ સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવામાં આવી છે. ૫૭૮ સફાઈ કામદારોને તેમના પગારનો હાયર સ્કેલ અપાયો છે. અને સફાઈ કામદારોના પરિવારની વ્યાખ્યામાં સુધારો કરીને સફાઈ કામદારના પૌત્રો તથા પરિણીત પુત્રીઓનો પણ પરિવારની વ્યાખ્યામાં સમાવેશ કરાયો છે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સફાઈ કામદારો માટે યોજાનાર આરોગ્ય પરીક્ષણ કેમ્પ તથા સફાઈ કામ માટે ઉપલબ્ધ કરાવાયેલા વિવિધ સાધનોની સવિસ્તાર જાણકારી આપી હતી. ૭૦ ℅થી વધુ અપંગતાના કિસ્સામાં પણ સફાઈ કામદારોના વારસદારને મોકલી આપવામાં આવે છે, તેમ પણ કમિશનરશ્રી અમિત અરોરાએ ઉમેર્યું હતું.

પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉપાધ્યક્ષ શ્રીમતી અંજનાબેન પંવાર સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે ઉપલબ્ધ કરાવાયેલા સુરક્ષા સંબંધિત મશીનોની વિગતવાર માહિતી રજૂ કરાઈ હતી અને મૃત્યુ પામનાર બંને કામદારોની વિગતો રજૂ કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ, ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી, વિકસતી જાતિના નાયબ નિયામકશ્રી સી.એન.મિશ્રા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ રાઠોડ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય સંબંધી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી આશિષ કુમારે એરપોર્ટ ખાતે યોજાયેલી સફાઈ કામદારોની પરિસ્થિતિની સમીક્ષા બેઠકમાં ઉપાધ્યક્ષ શ્રીમતી અંજનાબેનને આવકાર્યા હતા

[wptube id="1252022"]
Back to top button