

પાલક માતા-પિતા યોજના અંતર્ગત મળતી
માસિક ત્રણ હજારની સહાયથી મારો અભ્યાસ ખર્ચ ચાલે છે
લાભાર્થી: રેશ્માબેન રાઠવા
સરકાર દ્વારા અમલી યોજનાઓ પૈકી સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગના એક એકમ એવા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અમલી પાલક માતા-પિતા યોજના એક નોંધપાત્ર યોજના છે જે થકી જે બાળકના માતા પિતા હયાત નથી અથવા જે બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુન:લગ્ન કરી લીધા હોય તેવા ૦ થી ૧૮ વર્ષના બાળકનું માતા પિતા બની પાલન પોષણ કરતા પાલક માતા-પિતાને માસિક રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો સમાજ સુરક્ષા વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૬૯૫ લાભાર્થીઓને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય લાભાર્થીના ખાતામાં ચૂકવવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામના તળાવ ફળિયામાં પોતાની દાદી અને કાકા-કાકી સાથે રહી ખટાશ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી રેશ્માબેન કંચનભાઇ રાઠવા કે જેને પાલક માતા-પિતા યોજના અંતર્ગત માસિક રૂપિયા ત્રણ હજારની સહાય મેળવે છે તેની સાથે વાત કરતા સુખદ આશ્ચર્ય એ વાતનું થયું હતું કે, અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક અનાથ બાળકીની પણ સરકાર માઇ-બાપ બનીને દરકાર રાખે છે.
રેશ્માબેને વાત કરતા જણાવ્યું હતું કે, મને દર મહિને ત્રણ હજાર રૂપિયા મારા ખાતામાં જમા થાય છે. આ પૈસાથી મારો અભ્યાસ ખર્ચ તેમજ અન્ય ખર્ચ નીકળી આવે છે. મારી દાદી અને મારા કાકા-કાકી મને સારી રીતે રાખે છે તેમજ મારા કાકા-કાકી મને ખૂબ પ્રેમ કરે છે એમ જણાવ્યું હતું.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









