
તા.૧૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજ્યની મહિલાઓ પર થતાં શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલુ હિંસા સહિતના કિસ્સા, કાર્યસ્થળે થતાં જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યા, મહિલાની મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સામાં ૧૮૧ અભયમ ટીમ મદદરૂપ બને છે.

રાજકોટની મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કરતાં કાઉન્સેલર શ્રી ચંદ્રિકાબેન મકવાણા અને ડ્રાઈવર જયદીપભાઈ મહિલાના ઘરે પહોંચ્યા ત્યારે મહિલા ખુબ જ રડતી હતી. કલાકોના કાઉન્સિલિંગ બાદ મહિલાએ જણાવ્યું હતું કે તેણી એમ.એ. બી.એડ સુધી ભણેલી છે, જેને લીધે તે ટ્યુશન ક્લાસ ચલાવી રૂ. ૫૦ હજાર કમાઈને ઘર ચલાવતા હતા. પીડિતાએ ઘરની જરૂરીયાતો પુરી કરવા ક્યારેય પતિ પાસે પૈસા માંગ્યા નથી. આત્મનિર્ભર બનીને ઘર ચલાવતા હતા. તેમ છતાંય તેના પતિ મહિલાને કારકિર્દી ઘડવામાં રોકટોક અને હેરાનગતિ કરે છે. તેમજ મહિલા સાથે યોગ્ય વર્તન પણ કરતા નથી . આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના સમયે મહિલાના પતિ ટી.વી.નો અવાજ મોટો કરે, પુસ્તક ખેંચી લે અને ઝઘડો કરીને મહિલાને વાંચવાના સમયે માનસિક ત્રાસ આપતા હતા.આ ઉપરાંત પીડિતાના પતિએ પીડિતાના ભવિષ્યના નિર્ણયો લેતા હતા, અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા બાદ પણ નોકરી નહી કરવા કહ્યું હતું.
૧૮૧ અભયમની ટીમે પીડિતાના પતિનું કાઉન્સેલિંગ કરાવી પતિ-પત્નીને શાંતિથી રહેવા અને જીવનના દરેક સુખ-દુઃખનો સાથે સામનો કરવા સમજાવ્યા હતા. આમ ૧૮૧ અભયમ ટીમે દામ્પત્યજીવનને ફરીથી ધબકતું કર્યું હતું.








