
અંદાજીત ૧ લાખ જેટલા લોકોએ પોલીસ કેમ્પની મુલાકાત લીધી
***
૪૫,૦૦૦થી વધુ લોકોની સુરક્ષા માટે “જય દ્વારકાધીશ” સ્ટીકરો તેમજ રેડિયમ પટ્ટી લગાડાઈ
***
પદયાત્રીઓના આરોગ્યની સંભાળ રાખવા આરોગ્ય ટીમ પણ ખડે પગે સેવામાં
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો શ્રદ્ધાળુઓ ચાલીને ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા આવી રહ્યા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પ્રજાની મિત્ર છે તે દર્શાવતું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરધના ધામ નજીક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, શરબત, ચા – નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે. અંદાજીત ૧ લાખ જેટલા લોકોએ પોલીસ કેમ્પની મુલાકાત લીધી છે.
આ ઉપરાંત ૪૫,૦૦૦થી વધુ લોકોની સુરક્ષા માટે “જય દ્વારકાધીશ”ના સ્ટીકરો તેમજ રેડિયમ પટ્ટી લગાડવામાં આવી છે. માત્ર એટલું જ નહિ કોઈ પદયાત્રીઓના બુટ કે ચપ્પલ ફાટી ગયા હોય અને ચાલી ના શકતા હોય તેવા ૧૨૦ પદયાત્રીઓને બુટ – ચપ્પલ પણ આપવામાં આવ્યા છે. તેમજ લોકોને રોડની સાઈડમાં ચાલવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.









