OLPAD

અસનાડ પ્રાથમિક શાળા ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્રસિંહ માંગરોલા – ઓલપાડ
અસનાડ પ્રાથમિક શાળા ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજઈ
     ઓલપાડ :   ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા તાલુકા સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં અસનાડ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા શિક્ષક સંઘનાં હોદ્દેદારો ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક ભરતભાઈ ટેલર તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ   ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વાગત પ્રવચન અસનાડ પ્રાથમિક શાળાનાં આચાર્ય નિલેશભાઈ પટેલે કર્યુ હતું. પ્રાર્થના તેમજ સ્વાગતગીત સ્થાનિક પ્રાથમિક શાળાની બાળાઓએ રજૂ કર્યા હતાં. શાળાની શિક્ષિકા બહેનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
               ગત સભાનું પ્રોસિડીંગ મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે વાંચી સંભળાવ્યું હતું. ત્યારબાદ એજન્ડા મુજબ નીચે મુજબનાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે સંઘનાં લવાજમ બાબત, ઉચ્ચતર પગાર ધોરણ તથા એરિયર્સ ચૂકવણા બાબત, જૂની પેન્શન યોજનાનાં આગામી કાર્યક્રમ બાબત, તાલુકા કક્ષાનાં રમતોત્સવ તથા કલા મહોત્સવ બાબત ચર્ચા હાથ ધરી હતી.
               આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આગામી તારીખ ૧૧ અને ૧૨ મેનાં રોજ ગાંધીનગર મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં રાષ્ટ્રીય અધિવેશન તથા તારીખ ૧૩ થી ૨૧ મે દરમિયાન યોજાનાર પૂજ્ય સંતશ્રી મોરારીબાપુની રામકથા સંદર્ભે વિસ્તૃત ચર્ચા  વિચારણા હાથ ધરી હતી.
               સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ રાજેશ પટેલે કર્યું હતું. અંતમાં આભારવિધિ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ચિરાગ પટેલે આટોપી હતી.

[wptube id="1252022"]
Back to top button