ખંભાળિયા ખાતે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ આયોજિત લોન મેળામાં ૧૨૮ લોકોને બેંક લોન મંજૂરીપત્રનું વિતરણ કરાયું

તા.૨૫ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
વ્યાજખોરોનાં દૂષણ વિરૂદ્ધની ઝુંબેશ અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા વિડિયો બનાવાયો
શેરી નાટકના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવા આયોજન: સાગર ખેડુમાં જાગૃતિ લાવવા ઓડિયો ક્લિપ બનાવાઈ
પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણ વિરૂદ્ધની ઝુંબેશ અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખંભાળિયા ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં, આજદિન સુધી જિલ્લા ખાતે યોજાયેલા લોનમેળા દરમ્યાન લોન લીધેલ ૧૨૮ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૦૧,૦૭,૦૦,૦૦૦ના લોન ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આજે ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નવી સરકાર બન્યા બાદ પ્રથમ બેઠકમાં જ રાજ્યની પ્રજાને વ્યાજખોરોના ચુંગલમાંથી બચાવવા માટે મક્કમ પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણ વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ ઝુંબેશ યોજાઇ રહી છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, મજબૂરીના સમયમાં લોકો વ્યાજે પૈસા લેતા હોય છે. અને બાદમાં વ્યાજખોરો વધુ વ્યાજ વસૂલતા હોય છે. ત્યારે હવે લોકો એવા વ્યાજખોરોના ચુંગલમાંથી બહાર નીકળી રહ્યા છે. આજે અહીં ૧૨૮ લોકોને લોનના ચેકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે ખરેખર સમય બદલાઈ રહ્યો છે. આપણે પહેલા એવું વિચારતા કે પોલીસનું કામ ગુન્હેગારોને પકડવાનું જ છે. જ્યારે આજે સામાન્ય નાગરિકોના મિત્ર બની પોલીસ ખૂબ જ સારી કામગીરી કરે છે. આજે નાના માણસોને બેંક સાથે જોડી લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે માત્ર લોન મેળો જ નહિ પરંતુ લોકોને વ્યાજખોરોના દુષણથી બચાવવા માટે એક શેરી નાટક પણ થયું છે. આગામી સમયમાં જિલ્લા ભરમાં શેરી નાટકના માધ્યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ સાગર ખેડુની જાગૃતતા માટે ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે. તેમજ ખોવાયેલા મોબાઈલ પણ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
ગઈકાલે રજૂ થયેલા રાજ્યના બજેટને આવકારી મુખ્યમંત્રીશ્રી અને નાણાં મંત્રીશ્રીનો સમગ્ર જિલ્લા વતી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે.
આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે ૧૨૮ લોકોને કુલ ૧ કરોડ ૭ લાખ રૂપિયાની બેંક લોન મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લા ખાતે થયેલી મોબાઈલ ગુમની ફરિયાદ/e-FIR અંતર્ગત ૩૫ જેટલા મોબાઈલ કિં.₹.૦૪,૪૭,૭૮૬/- ના મોબાઈલ ફોન પરત સોંપવામાં આવેલા છે.
ઉપરાંત સાગરખેડૂ સમુદાયમાં રાષ્ટ્રીય સુરક્ષા તથા દરિયાઈ સુરક્ષા અંગે માહિતગાર કરવા માટે ઓડિયોકલીપ્સ બનાવી પ્રસારિત કરવામાં આવી છે.
આ પ્રસંગે ડી.વાય.એસ.પી. શ્રી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અને પી.આઇ. ઝાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. શ્રી પરમાર, લીડ બેંકના અધિકારીશ્રી આર.કે.પરમાર, નગરપાલિકા પ્રમુખશ્રી ભાવનાબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રામદેભાઈ કરમુર, જિલ્લા સંગઠનના અગ્રણીશ્રીઓ મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણઝારિયા, અનિલભાઈ તન્ના, હરિભાઈ નકુમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.








