
તા.૨૨ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટમાં અભયમ્ ટીમે સગીરાને આવારાતત્વોથી બચાવી હતી. તેમજ તેને કાચી ઉંમરે લગ્ન જેવી અયોગ્ય અપેક્ષાઓ ન રાખવા સમજાવી અભ્યાસમાં ધ્યાન આપવા પ્રેરિત કરી હતી. જે સાબિત કરે છે કે શારીરિક, માનસિક, આર્થિક અને જાતીય સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ૨૪ કલાક મહિલાઓની પડખે ૧૮૧ અભયમ્ યોજનાની ટીમ કાર્યરત છે.
રાજકોટમાં જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્ હેલ્પલાઈન ઉપર કોલ કરી જાણ કરી કે અજાણી તરુણી ઘરેથી નીકળી ગઈ હોય, એવું લાગે છે. તરુણી શેરીમાં આંટાફેરા કરી રહી છે. તેની પાછળ છોકરાઓનું ટોળું પડ્યું છે. તેથી, તરુણી અસુરક્ષિત લાગી રહી છે. આ બાબત જાણ્યા બાદ અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી દર્શનાબેન મકવાણા અને પાયલોટશ્રી વિજયભાઈ મોડી રાત્રે સવા ત્રણ કલાકે તરુણીની મદદ માટે રવાના થઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અભયમ્ ટીમને વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે સગીરા એક નામી શાળામાં અભ્યાસ કરે છે. તેની સાથે ભણતા વિદ્યાર્થી સાથે પ્રેમ થતા લગ્ન કરવાની ઈચ્છા છે. પરંતુ તરુણીના ભાઈએ લગ્ન કરવાની ના પાડી દેતા પ્રેમી સાથે લગ્ન કરવાના ઈરાદે પરિજનોને ઊંઘતા મૂકી ઘરેથી નીકળી ગઈ હતી. તરુણી પાસે મોબાઈલ ફોન નહોતો કે નહોતો પ્રેમીનો મોબાઈલ નંબર. માત્ર પ્રેમીના ઘરની સોસાયટીનું નામ જ યાદ હતું. આથી, તે સોસાયટીમાં જઈ પ્રેમીનું ઘર શોધી રહી હતી. ત્યારે આવારા છોકરાઓ તેની પાછળ પડી ગયા હતા.
આથી, કાઉન્સિલરે કુશળતાપૂર્વક તરુણીએ સમજાવ્યું કે હાલ તરુણીની વય ભણીગણીને કેરિયર બનાવવાની છે. આમ પણ સત્તર વર્ષની ઉંમરે લગ્ન કરવા ગેરકાયદેસર છે. અઢાર વર્ષ પૂર્ણ થયા બાદ લગ્ન કરી શકાય. આથી, લગ્નની જીદ ન કરવી જોઈએ. તથા આવી રીતે મોડી રાત્રે ઘરની બહાર નીકળવાથી દુર્ઘટના બની શકે છે. તો ભવિષ્યમાં આ અંગે તકેદારી રાખવી જોઈએ.
અભયમ્ ટીમે તરુણીનું કાઉન્સિલિંગ કર્યા બાદ તેના પરિવારના સભ્યોને બોલાવી ગ્રુપ કાઉન્સિલિંગ કર્યું હતું. તેમજ તરુણીને તેના પરિવારને સોંપી ઘરે પરત મોકલી હતી. ત્યારે તેના માતા-પિતાએ ૧૮૧ અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.