
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (એમસીડી)ના નોમિનેટેડ સભ્યો મેયરની ચૂંટણીમાં મતદાન કરી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ૨૪ કલાકની અંદર મેયરની ચૂંટણી કરાવવા અને પ્રથમ બેઠક બોલાવવાની નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે કારણકે તે નોમિનેટેડ સભ્યોના મતદાનનો વિરોધ કરી રહી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પી એસ નરસિંહા અને ન્યાયમૂર્તિ જે બી પારડીવાલાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે એમસીડીની પ્રથમ બેઠકમાં જ મેયરની ચૂંટણી થવી જોઇએ ત્યારબાદ મેયરની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયરની ચૂંટણી થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મેયરની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લોકશાહીનો વિજય ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી પુરવાર થઇ ગયું છે કે લેફ્ટનન્ટ ગવર્નર અને ભાજપ ગેરકાયદે અને ગેરબંધારણીય આદેશો પસાર કરી રહ્યાં હતાં.
તેમણે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે દિલ્હીને ૨.૫ મહિનાના અંતે મેયર મળશે.










