JASDALRAJKOT

જસદણ તાલુકાના કોટડાપીઠા ગામની માતા અને બાળક માટે આશીર્વાદરૂપ બનતી રાજકોટની ૧૦૮ ઈમરજન્સી સેવા

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોટડાપીઠા ગામે વાડી વિસ્તારમાં ખેતમજુરી કરતા ૨૬ વર્ષીય પ્રસુતાને પ્રસુતિની પીડા ઉપડતા વાડીનાં માલીક દિલીપભાઈએ ૧૦૮નો સંપર્ક સાધ્યો હતો. જસદણ તાલુકાની ૧૦૮ ટીમનાં ઈ.એમ.ટી. ઈન્દ્રજીતભાઈ ડાંગર અને પાયલોટ દેવાયતભાઈ રાઠોડ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળ કોટડાપીઠા પહોંચી ગયા હતા.

આ અંગે વધુ વિગતો આપતાં ૧૦૮ જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, પ્રસુતાને અસહ્ય પ્રસવ પીડા ઉપડતાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ઈ.એમ.ટી. ઈન્દ્રજીતભાઈને પ્રસુતિ કરાવવી જરૂરી જણાતાં રસ્તામાં જ સાઈડમાં એમ્બ્યુલન્સ ઉભી રાખી પ્રસુતિ કરાવી હતી. ૧૦૮ હેડ ઓફિસનાં ડોકટર રવિ ચાવડાની ટેલીફોનીક મદદ મેળવી સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી યોગ્ય સારવાર આપી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વધુ સારવાર અર્થે માતા અને બાળકને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં હાજર તબીબોએ માતા અને બાળકને જરૂરી સારવાર આપી હતી, હાલ બાળક અને માતા બન્ને સંપુર્ણપણે સ્વસ્થ છે. આમ, કોટડાપીઠા ગામની માતા અને બાળક માટે રાજકોટની ૧૦૮ ઈમરજન્સી સેવા આશીર્વાદરૂપ બનતાં મહિલાનાં પરિજનોએ ૧૦૮ના આરોગ્યકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button