RAJKOT

સતત ૩૬ કલાક કામ કરતા રહીને જુદા જુદા રજુ થયેલા પ્રશ્નો ના નિરાકરણ માટે કાર્યરત યુવા ઇજનેરો

તા.૧૦ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત આયોજિત હેકાથોન ગ્રાન્ડ ફિનાલેનો શુભારંભ

“જમીન વિના માત્ર પાણીના આધારે ખેતીની હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી, તેમાં ઓટોમેશનનો ઉપયોગ કરવાથી ઓછી જગ્યામાં બહુ નજીવી કિંમતે ફુલ્લી ઓટોમેટીક ટેકનોલોજીના ઉપયોગ થકી કોઈ પણ જાતના કેમિકલ વિનાની સંપૂર્ણ સાત્વિક ખેતી કરવાનો પ્રોજેક્ટ ઉપર અમે લોકો કામ કરી રહ્યા છીએ અને અમે અચુક સફળ થશું” આ શબ્દો છે હેકાથ્લોનના ગ્રાન્ડ ફિનાલેમાં કામ કરી રહેલા યુવા વૈજ્ઞાનિકોની ટીમના લીડર જય ખંભાયતાના…

આજરોજ સરકારી ઇજનેરી કોલેજ-કણકોટ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો જેનો શુભારંભ દિપ પ્રાગટ્ય વડે મોરબી કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યા અને પી.જી.વી.સી.એલ.ના જોઈન્ટ એમ.ડી શ્રી પ્રીતિ શર્માના હસ્તે કરવામાં આવ્યો હતો.

 

આ તકે મોરબી કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યાએ કહ્યું હતૂં કે, 5મી હેકાથોન ની સ્ટાર્ટ અપ પોલીસી માટે ગ્રાન્ટ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે અને છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે પુરસ્કારો જીત્યા છે. રાજ્યના યુવા અને સર્જનાત્મક લોકોનો જનહિતમાં યોગ્ય ઉપયોગ કરીને દેશના વિકાસમાં તેમને સહભાગી બનાવવામા સરકારશ્રીની હેકાથ્લોન અને સ્ટાર્ટ અપ પોલીસીનું વિશેષ યોગદાન છે.

આ તકે PGVCL અને સરકારી ઇજનેરી કોલેજ-કણકોટ વચ્ચે ૮૪ જેટલા ઉમેદવારોને ઇન્ટર્નશિપ/પ્રોજેક્ટ માર્ગદર્શન/નિષ્ણાત સેમિનારની તક પૂરી પાડવા માટે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ્ય દેશ અને ગુજરાતના વિકાસ માટે સમસ્યાઓના નવતર ઉકેલો માટે યુવાનોને સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકનિકલ શિક્ષણ વિભાગ, ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન તથા ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત, રાજ્યસ્તરે “આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથ્લોન-૨૦૨૩” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનો આગળનો રાઉન્ડ એટલે કે ગ્રાન્ડ ફિનાલે આવતી કાલે શનિવારે સરકારી ઇજનેરી કોલેજ (જી.ઈ. સી.) રાજકોટ ખાતે યોજાશે. વિવિધ જિલ્લાઓના મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, ડી.ડી.ઓ ઉપરાંત વિવિધ સરકારી વિભાગો તથા ઔદ્યોગિક એકમો પાસેથી મેળવેલા પ્રશ્નોનું નિરાકરણ શોધવા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એન્જીનીયરીંગ ક્ષેત્ર ઉપરાંત ફાર્મસી કોલેજોમાંથી કુલ ૪૫ ટીમ બનાવી આશરે ૨૭૫ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતની ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધા દરમ્યાન સતત ૩૬ કલાક સુધી પોતાના તકનીકી કૌશલ્યનો ઉપયોગ કરી અત્રે રજૂ થયેલ પ્રશ્નોના ઉકેલ સૂચવશે, અને પરંપરાગત કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવા કાર્યક્ષમ નિવારણ પ્રદર્શિત કરશે. સ્પર્ધા દરમ્યાન સંસ્થા હટે આવેલા તમામ વિદ્યાર્થીઓ, મેન્ટરની રહેવા જમવાની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ પ્રસંગે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરશ્રી કે.બી.શાહ આચાર્ય ડો. કે જી મારડિયા, કોઓર્ડીનેટર શ્રી કે. બી રાઠોડ, શ્રી મહેશ ટીટીયા, શ્રી સંજય ભંડેરી, શ્રી જય પંડ્યા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button