ખંભાળીયા તાલુકાના હાપાલાખાસર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એસ.જે. ડુમરણિયાએ ખંભાળીયા તાલુકાના હાપાલાખાસર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા આયોજીત સરપ્રાઈઝ વિઝીટ દરમ્યાન હાપાલાખાસર પ્રાથમિક શાળામાં સંસ્કારોનું સિંચન કરતા, જીવન ઘડતર કરતી પ્રવૃતિઓના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઘડિયા ગાન, જાણવા જેવું પ્રશ્નોત્તરી તથા બાળકો દ્વારા વૃક્ષો ઉપર સ્વપ્રયત્ને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાના પ્રવૃતિ અંતર્ગત ખોખામાંથી ચકલીનો માળો બનાવવાની પ્રવૃતિનું પ્રતિરૂપ થયું હતું.
આ ઉપરાંત શાળામાં કિચન ગાર્ડન અને બોટલ પામ ટપક સિંચાઈ પદ્ધતિ સાથે સ્વચ્છતા પણ જોવા મળી હતી.
આ પ્રસંગે શાળાના શિક્ષકશ્રી દ્વારા પ્રેરક ઉદ્દબોધન કરતા વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૩ સુધીના પાંચ વર્ષ દરમ્યાન શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય અને જીવન ઘડતર થાય તે માટે કરેલ પ્રવૃતિઓ અંતર્ગત આજે શાળા વિશેષ વર્તાઈ રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ શાળાના કર્મચારીશ્રીઓને શુભેચ્છા પાઠવતા બાળકોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેમ જણાવ્યું હતું.









