
તા.૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઓનલાઇન નાણાકીય છેતરપિંડી અને સોશિયલ મીડિયા બ્લેકમેઈલિંગથી બચવા જાગૃતિ અને સતર્કતા જરૂરી
અજાણી લિંક, મેસેજ, એપ પરની જાહેરાતો કે કંપનીના કોલ પર ભરોસો કરવો નહીં એ.સી.પી. શ્રી વિશાલ રબારી
ટેક્નોલોજીની અજ્ઞાનતા, લોભ-લાલચ, ડર કે આળસને પરિણામે છેતરપિંડીનો ભોગ બનતા લોકો
સાઇબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ પર શક્ય તેટલી વહેલી ફરિયાદ કરવી
રાજકોટ સાઇબર ક્રાઈમ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૧ જનજાગૃતિના સેમિનાર કરાયા
વિદ્યાર્થીઓ માટે સાઇબર ક્રાઇમ એક્સપર્ટ તરીકે નોકરી તેમજ કન્સલટન્સીમાં ઉજળું ભવિષ્ય
ડિજિટલ ટેક્નોલોજીનું પ્રમાણ વધતા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી અને સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેઈલિંગના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. જેનાથી બચવા માટે જાગૃતિ તેમજ સતર્કતા જરૂરી હોવાનું સાઇબર ક્રાઇમ એ.સી.પી.શ્રી રબારી જણાવે છે.
આજે ”વર્લ્ડ સેફર ઇન્ટરનેટ ડે” છે, જેના અનુસંધાને રીજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સાઇબર ક્રાઈમ અંગે શ્રી રબારી જણાવે છે કે, ટેક્નોલોજીની અજ્ઞાનતા, લોભ – લાલચ , ડર કે આળસને પરિણામે લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.

ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં મૉટે ભાગે ગઠિયાઓ ઓ.ટી.પી. પિન નંબર કે ક્યુ આર કોડ સ્કેન કરાવી બેન્કમાંથી નાણાંની હેરફેર કરતા હોય છે. મોબાઈલમાં મેસેજ કે સોસિયલ મીડિયા ટૂલ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અજાણી વ્યક્તિ દ્વારા આઈ.ડી. ચોરી કે વિવિધ પોસ્ટ પરની લીંકને ફોલો કરતા સાઇબર ક્રાઇમનો ભોગ બને છે.
રાજકોટમાં બનતા સાઇબર ક્રાઈમના કિસ્સાઓ અંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, વીજ બિલ બાકી હોવાના ફેક કોલના રિસ્પોન્સમાં એક મહિલાએ રૂ. ૬૬ લાખ જેવી રકમ ગુમાવી હતી. જયારે સોશિયલ મીડિયા ક્રાઈમમાં ન્યૂડ વિડીયો કોલ દ્વારા બ્લેકમેઈલિંગના કિસ્સામાં એક વ્યક્તિએ રૂ. ૨૫ લાખ જેટલી રકમ ગુમાવી હતી. આવા કિસ્સાઓમાં સામાજિક ડર રાખ્યા વગર વહેલી તકે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આવા કિસ્સામાં તેઓની ઓળખ છત્તી નો થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે.

રાજકોટ ખાતે વર્ષ ૨૦૨૧ માં ૨૫ જેટલા તેમજ વર્ષ ૨૦૨૨ માં ૩૭ જેટલા મેજર ગુનાહ દાખલ કરાયા છે. વર્ષ ૨૦૨૨ માં ૩ હજારથી વધુ અરજીઓ સામે ૧૭૯૮ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે.
સાઇબર ક્રાઈમ ગુનેગાર મોટા ભાગે ઉત્તર ભારતના રાજ્યો તેમજ વિદેશમાંથી થતા હોય છે. તેઓ અનેક બેન્ક ખાતાઓ ધરાવે છે. તેમજ મોબાઈલ કાર્ડ ફેક આઈ.ડી. દ્વારા મેળવતા હોઈ તેઓને પકડવા બહુ મુશ્કેલ હોય છે. આવા ગુનેગારોને પકડવા માટે રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 60 થી વધુ પોલીસનો સ્ટાફ તેમજ ટેક્નોલોજી એક્સપોર્ટ સહીત ૧૬૮ જેટલા વોલિયન્ટર્સની મદદ લેવામાં આવે છે.
જેમ આરોગ્ય માટે કહેવત છે કે પ્રિવેન્સન ઇઝ બેટર ધેન ક્યોર, તે જ રીતે સાઇબર ક્રાઈમનો ભોગ બનતા અટકવા જાગૃતિ અને સતર્કતા જરૂરી છે, આમ છતાં જો ક્રાઇમનો ભોગ બને તો તુર્ત જ સાઇબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર 1930 પર જાણ કરવા એ.સી.પી. શ્રી રબારી જણાવે છે.
આવનાર સમયમાં નાની મોટી કંપનીઓને સાયબર એક્સપર્ટની સલાહની જરૂરિયાત પડશે. આઈ.ટી,ના વિદ્યાર્થીઓને નોકરી તેમજ કન્સલ્ટન્સી ખોલવા સાથે ખુબ સારી કારકિર્દીની તકો રહેલી હોવાનું આ તકે સેમિનારમાં ઉપસ્થિત યુવાઓને જણાવ્યું હતું.
આ તકે સાઇબર ક્રાઈમ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી મયુર વેગડ, રિજિયનલ સાઇન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સુનિલ વ્યાસ, આઈ.સી.ટી. ઓફિસર શ્રી તુષાર ચાવડા, ક્રાઈસ્ટ કોલેજના શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ જોડાયા હતાં.








