LUNAWADAMAHISAGAR

બાલાસીનોરના ચાંદાજીના મુવાડા ગામ નજીક મહિલાને માર મારી સોનાના દોરાની લૂંટ ચલાવનાર આરોપીને પાંચ વર્ષની કેદ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

બાલાસીનોરના ચાંદાજીના મુવાડા ગામ નજીક મહિલાને માર મારી સોનાના દોરાની લૂંટ ચલાવનાર આરોપીને પાંચ વર્ષની કેદ

ગત વર્ષે માર્ચ માસમાં બાલાસીનોરના ચાંદાજીના મુવાડા ગામ નજીક રીક્ષામાં જઇ રહેલ એક મહિલા મુસાફરને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણીના ગળામાં પહેરેલ સોનાનો દોરો તોડી લઇ તથા મોઢાના ભાગે મુક્કા મારી તેમજ છાતીના ભાગે છેડછાડ કરનાર ઇસમને લુણાવાડાની સેશન્સ કોર્ટે પાંચ વર્ષની કેદ તથા દંડ ફટકારતો હુકમ કરેલ છે.

આ બનાવની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના આરોપી કિરણકુમાર મણીભાઈ દેવીપુજક રીક્ષા ચલાવવાનો ધંધો કરતો હતો. ગત તા.૧૪,૦૩,૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે પોણા નવ વાગ્યાના સુમારે આ કામના ફરીયાદી રસીદાબેન મહંમદહનીફ શેખ આરોપી કિરણની રીક્ષામાં મુસાફર તરીકે બેસેલ હતાં ત્યારે ચાંદાજીના મુવાડા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ પુજેલાવ દરગાહ નજીક એકાંત જગ્યાએ લઇ જઇ રસીદાબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગળામાં પહેરેલ દોઢેક તોલાનો સોનાનો દોરો તોડી લઇ તેણીને મોઢાના ભાગે મુકકાથી મારી ઇજાઓ કરી શરીરના છાતીના ભાગે છેડછાડ કરી પોતાની રીક્ષા લઇ નાશી ગયો હતો.જેથી ફરીયાદીએ આ બાબતની બાલાસીનોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરતાં આરોપી કિરણ વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવેલ હતો જેથી પોલીસે આરોપ વિરૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ લુણાવાડાના સેશન્સ જજ એચ. એ. દવેની કોર્ટમાં ચાલી જતાં અદાલત સમક્ષ ફરીયાદ પક્ષે કુલ ૧૨ સાક્ષીઓ તપાસવામાં આવેલ હતાં તથા ૧૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ થયેલ. તમામ માખિક તથા દસ્તાવેજી પુરાવાઓ ઉપરાંત સરકારી વકીલ સરજન ડામોરની દલીલોને આધારે સેશન્સ જજ એચ. એ. દવેએ આરોપી કિરણ મણીભાઇ દેવીપુજકને ઈ.પી.કોડ કલમ-૩૯૪, ૩૨૩, ૫૦૬(૨) મુજબના ગુનામાં કસુરવાર ઠેરવેલ છે. અદાલતે એ બાબત ધ્યાન ઉપર લીધેલ છે કે બનાવ નિર્જન સ્થળે રાતના ૯-૦૦ વાગે બનેલ છે અને તે વખતે ફરીયાદી અને આરોપી સિવાય બીજું કોઇ ત્યાં હાજર ન હતું અને ફરીયાદી સ્ત્રી બાઇ હોય અને આરોપી પુરૂષ હોય સ્વાભાવિકપણે આરોપીએ ફરીયાદીને જે જાનથી મારી નાખવાની ધમકી આપી અને તે સમયે ફરીયાીને મોઢા ઉપર મુકકા મારી ઇજા પહોંચાડેલ હોય ફરીયાદીને એવો ભય ઉભો થાય કે જો તેણી તેનો સોનાનો દોરો આરોપીને આપી નહી દે તો તેને ચોકકસપણે આરોપી જાનથી મારી નાંખશે અને તેથી તેની અસર તળે ફરીયાદી હોય અને તેથી તેના કારણે આરોપીએ ફરીયાદી પાસેથી સોનાના દોરાની લૂંટ કરેલ હોય તે માનવાને પુરતું કારણ થાય છે.આમ આરોપી કિરણ મણીભાઇ દેવીપુજકને કસુરવાર ઠેરવી ઈ.પી.કોડ કલમ-૩૯૪ મુજબના ગુન્હા માટે ૫(પાંચ) વર્ષની સાદી કેદની સજા તેમજ રુપિયા ૧૦,૦૦૦/- (અંકે રુપિયા દશ હજાર પુરા) દંડ, ઈ.પી.કોડ કલમ-૩૨૩ મુજબના ગુન્હા હેઠળ ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ રુપિયા ૨,૦૦૦/- (અંકે રુપિયા બે હજાર પુરા) દંડ તથા ઈ.પી.કોડ ૫૦૬(૨) મુજબના ગુન્હા માટે ૨ (બે) વર્ષની સાદી કેદની સજા તેમજ રુપિયા ૫,૦૦૦/- (અંકે રુપિયા પાંચ હજાર પુરા) દંડ ફટકારતો હુકમ ફરમાવેલ છે.

[wptube id="1252022"]
Back to top button