
મેડિકલ સાયન્સ સતત હરણફાળ ભરી રહ્યું હોવા છતાં કેન્સરના વધતા જતા કેસ અને તેની ઘાતકતા હજુ પણ ચિંતાનો વિષય રહ્યા છે. ગુજરાતમાં ગત વર્ષે જ કેન્સરના ૭૩૩૮૨ કેસ નોંધાયા હતા જ્યારે ૪૦૩૫૬ વ્યક્તિએ કેન્સર સામે જીવ ગુમાવ્યો હતો. આમ, પ્રતિ મહિને કેન્સરના સરેરાશ ૬૬૭૧ કેસ નોંધાય છે અને ૩૬૬૭ વ્યક્તિ કેન્સર સામે જીવ ગુમાવે છે. આ ઉપરાંત હવે મહિલાઓમાં પણ મોંઢાના કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવતીકાલે ‘વિશ્વ કેન્સર દિવસ’ છે ત્યારે કેન્સરના વધતા કેસ ચિંતાનો વિષય છે.
ગુજરાતમાં કેન્સરના કેસ અને તેની ઘાતકતા સતત વધી રહી છે. ૨૦૧૮થી ૨૦૨૨ એમ પાંચ વર્ષમાં ૧.૯૧ લાખ વ્યક્તિએ કેન્સર સામે જીવ ગુમાવ્યો છે. ૨૦૨૨માં ૪૦ હજારથી વધુ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા હતા, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. આ વર્ષે કેન્સરથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત નવમું સ્થાન ધરાવે છે. ગત વર્ષે કેન્સરથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત નવમું સ્થાન ધરાવે છે. ગત વર્ષે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૧.૧૬ લાખ, મહારાષ્ટ્રમાંથી ૬૬૮૭૯, પશ્ચિમ બંગાળમાંથી ૬૨૬૫૨, બિહારમાંથી ૬૦૬૨૯ વ્યક્તિએ કેન્સર સામે જીવ ગુમાવ્યો હતો.
આઇસીએમઆરના તાજેતરના આંકડા મુજબ અમદાવાદ મોંઢાના કેન્સરને મામલે સમગ્ર વિશ્વમાં મોખરે છે. અમદાવાદમાં પુરુષોમાં જોવા મળતાં કેન્સરના કુલ કેસમાંથી ૫૬ ટકા કેસ તમાકુ સંબધિત છે. જેમાંથી ૭૦ ટકા મોઢા અને ગળાના ભાગમાં થાય છે. આ ઉપરાંત અમદાવાદમાં મહિલાઓમાં જોવા મળતાં કેન્સરના કુલ કેસમાંથી ૧૮.૬ ટકા કેસ તમાકુ સંબધિત છે, જેમાંથી ૬૦ મોંઢા-ગળાના ભાગે થાય છે. અલબત્ત, હવે પુરુષો સાથે મહિલાઓ-યુવાનોમાં પણ કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.
આ અંગે ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયુટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રિયાંક રાઠોડે જણાવ્યું કે, ‘આજથી થોડા વર્ષ અગાઉ મોંઢાના કેન્સરના ૧૦ કેસ આવતા તેમાં મહિલાઓનું પ્રમાણ માત્ર ૧ હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રમાણ વધીને ૧૦માંથી ચારનું થયું છે. દેખાદેખીને કારણે મહિલાઓમાં પણ સિગારેટ, તમાકુનું સેવન કરવાનું વધ્યું હોવાથી તેમનામાં મોઢાના કેન્સરના કેસના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. અગાઉ ૫૦થી વધુ વયની વ્યક્તિમાં મોંઢાના કેન્સરના કેસ વધુ જોવા મળતાં. હવે ૧૮થી ૪૦ના વયજૂથમાં પણ આ પ્રમાણ ચિંતાજનક વધ્યું છે. યુવાનોમાં પાન-મસાલા, તમાકુની ઘાતકતા અંગે માર્ગદર્શન આપતા રહેવાની જરૃર છે. હાઇ સ્કૂલ, કોલેજમાં તમાકુ, પાન-મસાલાની ઘાતકતા અંગે માર્ગદર્શન આપતા લેક્ચર ગોઠવવા જોઇએ. આ મામલે જાગૃતિ આવશે તો જ મોંઢાના કેન્સરના કેસ ઓછા આવશે.
આ ઉપરાંત અનેક લોકો મોંઢામાં નાનકડી ચાંદી પડી હોય તો કાથો-હળદરનો ઉપયોગ કરે છે. હકીકતમાં તેમણે નાની ચાંદી હોય તો પણ તકેદારી માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. કેન્સરને હરાવવા માટે પ્રથમ બે સ્ટેજ ખૂબ જ મહત્વના પુરવાર થતાં હોય છે. કેન્સર હોય તો મક્કમ મનોબળ પણ દર્દી માટે દવા જેટલો જ મહત્વનો ભાગ ભજવે છે. ‘
૨૦૨૨માં કયા રાજ્યમાં કેન્સરથી વધારે મૃત્યુ?
રાજ્ય મૃત્યુ
ઉત્તર પ્રદેશ ૧,૧૬,૮૧૮
મહારાષ્ટ્ર ૬૬,૮૭૯
પ.બંગાળ ૬૨,૬૫૨
બિહાર ૬૦,૬૨૯
તામિલનાડુ ૫૦,૮૪૧
કર્ણાટક ૪૯,૫૧૬
મધ્ય પ્રદેશ ૪૫,૧૭૬
રાજસ્થાન ૪૧,૧૬૭
ગુજરાત ૪૦,૩૫૬
આંધ્ર પ્રદેશ ૪૦,૩૦૭
ગુજરાતમાં પાંચ વર્ષમાં કેન્સરથી મૃત્યુ
વર્ષ મૃત્યુ
૨૦૧૮ ૩૬,૩૨૫
૨૦૧૯ ૩૭,૩૦૦
૨૦૨૦ ૩૮,૩૦૬
૨૦૨૧ ૩૯,૩૨૮
૨૦૨૨ ૪૦,૩૫૬
કુલ ૧,૯૧,૬૧૫
પાંચ વર્ષમાં ૫૦ હજારથી વધુ મહિલાને બ્રેસ્ટ કેન્સર
ગુજરાતમાં પાંચ વર્ષમાં ૫૦ હજારથી વધુ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થયાનું સામે આવ્યું છે. ડોક્ટરોના મતે ‘અદ્યતન જીવનશૈલી, વિલંબ બાદ લગ્ન થવા, માતૃત્વ મોટી ઉંમરે ધારણ કરવું તે સ્તન કેન્સર માટેના કેટલાક કારણો છે. ૪૦ની વય બાદ પ્રત્યેક મહિલાઓએ દર વર્ષે નિયમિત મેમોગ્રામ ટેસ્ટ કરાવવા જોઇએ. કેટલીક ગાંઠ પીડા આપનારી નહીં હોવાથી અનેક લોકો તેને નજરઅંદાજ કરવાની મોટી ભૂલ કરે છે. હકીકતમાં સહેજપણ શંકા જણાય તો તેના માટે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.










