
ચિલીના જંગલોમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આગના કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયાના અહેવાલ છે. આગના કારણે લગભગ 14 હજાર હેક્ટર જંગલનો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. આ આગને કારણે રાજધાની સેન્ટિયાગોથી લગભગ 500 કિલોમીટર દૂર સાંતા જુઆનામાં ફાયર ફાઈટર સહિત 13 લોકોના મોત થયા હતા.
આગામી દિવસોમાં સ્થિતિ વધુ જોખમી બની શકે છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનાની મદદથી 63 એરક્રાફ્ટનો કાફલો આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કટોકટીની આ સ્થિતિને કારણે રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે નુબાલ અને બાયોબાયોની મુલાકાત લેવા માટે તેમની રજાઓ રદ્દ કરી નાખી હતી.
કૃષિ મંત્રાલયનું કહેવું છે કે રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવેલ હેલિકોપ્ટર લા અરૌકેનિયામાં ક્રેશ થયું હતું. આ ધટનામાં એક પાઇલટ અને મિકેનિકનું મોત થયું હતું. બાયોબિયો અને નુબાલની આસપાસના જંગલ વિસ્તારોમાં સર્વત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. દેશના ગૃહમંત્રી કેરોલિના તોહાનું કહેવું છે કે દેશભરમાં આગની આવી 39 ઘટનાઓ બની છે જેમાં હજારો મકાનો નાશ પામ્યા છે.










