
તા.૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પડતર પ્રશ્નો તત્કાલ ઉકેલવા મંત્રીશ્રીની સૂચના: વીંછિયા ખાતે બેઠક યોજી, નાગરિકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા
રાજ્યના પાણી પુરવઠા, જળ સંસાધન, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે જસદણ ખાતે તાલુકા ફરિયાદ તથા સંકલન સમિતિ સહિત વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ પડતર પ્રશ્નોનો વહેલાસર ઉકેલ લાવવા સૂચના આપી હતી, આ સાથે નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે, તે માટે વિધેયાત્મક અભિગમ અપનાવીને કામ કરવા અધિકારીઓ, કર્મચારીઓને જણાવ્યું હતું.
જસદણ પ્રાંત કચેરી ખાતે આયોજિત આ મિટિંગમાં, મંત્રીશ્રી બાવળિયાએ ગામતળ નીમ કરવા, ગામડામાં વસતા જરૂરિયાતમંદ અને મકાન વિહોણા લોકોને ૧૦૦ વારના પ્લોટ આપવા, ઝૂંપડામાં રહેતા લોકોને વીજ કનેક્શન આપવા સહિતના પ્રશ્નોની વિગતોની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. તેમણે ગામોમાં પીવાના પાણીના વિતરણની સ્થિતિ જાણી હતી અને લોકોને પીવાનું પાણી પૂરતું અને નિયમિત મળી રહે, તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું હતું.
શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજન તેમજ ગરીબ લોકોને ગુજરાત સરકારની ‘‘અન્ન બ્રહ્મ યોજના’’ અંતર્ગત વિનામૂલ્યે અનાજ આપવાની યોજનાની વિગતો પણ જાણી હતી. ગામડામાં વસતા ગરીબોને રાશનકાર્ડનું અનાજ લેવા દૂર ન જવું પડે અને તેઓને નજીકના વિસ્તારમાંથી અનાજનો નિયત જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
આ ઉપરાંત એસ. ટી. વિભાગને લગતી વિવિધ રજૂઆતો, સિંચાઈ વિભાગની રજૂઆતો, નગરપાલિકાઓના રસ્તા, પાણી સહિતના પ્રશ્નોની સમીક્ષા મંત્રીશ્રી બાવળિયાએ કરી હતી. વિંછીયા તાલુકા સેવા સદન ખાતે વિવિધ સમિતિઓની બેઠક યોજી હતી. અને રજૂઆત કરવા આવેલા નાગરિકોના પ્રશ્નો મંત્રીશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા અને તેના સત્વરે નિકાલની ખાતરી આપી હતી.
આ બેઠકમાં જસદણ પ્રાંત અધિકારી શ્રી રાજેશ આલ, મામલતદાર શ્રી એન. ડી. ગામી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. જી. પરમાર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.