
તા. ૨ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
તમામ અમૃત સરોવરોની સ્થિતિનો તાગ મેળવી, સમારકામ તથા નવીનીકરણ અંગે માર્ગદર્શન આપ્યું
કેન્દ્ર સરકારના નેશનલ વોટર કન્ઝર્વેશન મિશન વિભાગના “જલ શકિત અભિયાન-કેચ ધ રેઇન” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં અમૃત સરોવરોના નિર્માણ કાર્યો અંગે સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ તમામ અમૃત સરોવરોની સ્થિતિનો તાગ મેળવી અમૃત સરોવરોના ખોદકામ, વનીકરણ, સમારકામ, નવીનીકરણ તથા બ્યુટીફિકેશન અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
રાજકોટ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો પૈકી ૨૫ અમૃત સરોવરો તૈયાર થઇ ચૂકયા છે, જયારે ૫૦ જેટલા સરોવરોની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કાર્ય વિવિધ સરકારી વિભાગો દ્વારા લોકભાગીદારીથી કરવામાં આવે છે. ત્યારે અમૃત સરોવરોની બાકી કામગીરી સમયસર પૂર્ણ કરવા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી. તેમજ તમામ ૭૫ અમૃત સરોવરોના ફોટોગ્રાફ્સ રજૂ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. એસ. ઠુમ્મર, પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા, મદદનીશ ઇજનેરશ્રી સન્ની રામાણી સહિતના જિલ્લા પંચાયત, સિંચાઇ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.