
કર્ણાટકમાં હમ્પી ઉત્સવ દરમિયાન પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર ઉપર ચાલુ કાર્યક્રમે પાણીની બોટલ ફેંકાઈ હતી. હંપી ઉત્સવ સમાપનમાં કૈલાસ ખેર પોતાના સૂરના તાલે લોકોને ડોલાવી રહ્યા હતા તે દરમિયાન ઓડિશન્સમાં રહેલા બે માણસોએ કૈલાશ ખેર ઉપર પાણીની બોટલ ફેંકી હતી. જોકે સ્થળ પર હાજર પોલીસે કૈલાશ ખેર તરફ બોટલ ફેંકનાર આરોપીને કસ્ટડીમાં લઈને પરિસ્થિતિ સામાન્ય કરી દીધી હતી. કાર્યક્રમમાં કોઈ ખાસ વિક્ષેપ થયો નહોતો.
પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરના સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન ઓડિયન્સમાં હાજર બે લોકોએ તેને કન્નડ ગીત ગાવાનું કહ્યું અને જ્યારે કૈલાશ ખેરે કન્નડમાં ગીત ન ગાયું તો એ લોકોએ નારાજગી બતાવતાં કૈલાશ ખેર પર પાણીની બોટલ ફેંકી. પોલીસે પ્રેક્ષકોમાંથી બોટલ ફેંકનાર વ્યક્તિને અને તેના સાથીને કસ્ટડીમાં લીધા.
દર વર્ષે અહીં વિજય ઉત્સવ તરીકે હમ્પી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ ઉત્સવ 27મી જાન્યુઆરીએ શરૂ થયો હતો અને ત્રણ દિવસ સુધી ચાલતો આ ઉત્સવનું સમાપન 29મી જાન્યુઆરીની સાંજે થયું. રવિવારે સમાપન સમારોહ દરમિયાન, કૈલાશ ખેર અહીં પોતાના સુરીલા અવાજનો જાદુ ફેલાવી રહ્યા હતા ત્યારે તેમના પર બોટલ ફેંકવાની ઘટના બની હતી.










