
વંથલીના પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરીનું જુનાગઢ રત્ન એવોર્ડ આપી સન્માન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કલેક્ટર રચિત રાજ દ્વારા વધુ એક નવીન સકારાત્મક પહેલ કરવામાં આવી છે.પ્રજાસત્તાક દિને રાષ્ટ્રીય સ્તરે પદ્મશ્રી, પદ્મભૂષણ,વગેરે સન્માન પ્રદાન કરવામાં આવે છે, તેવી જ રીતે જૂનાગઢ કલેક્ટર દ્વારા જિલ્લા કક્ષાએ કર્મચારી- અધિકારીઓની સેવાને ધ્યાનમાં લઈને ‘જૂનાગઢ રત્ન’ એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. આ એવોર્ડ જિલ્લા વહીવટી તંત્રના શ્રેષ્ઠ કામગીરી કરનાર અને કાર્યક્ષમ અધિકારી-કર્મચારીઓને આપવામાં આવશે.
‘જૂનાગઢ રત્ન’ નો પ્રથમ ખિતાબ વંથલીના પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરીને ફાળે ગયો છે.હનુલ ચૌધરી પ્રજાહિતના નિર્ણયો લેવામાં અવ્વલ ઠર્યા હતા. ઉપરાંત વિચરતી જાતિના લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજના હેઠળ વિનામૂલ્ય રહેણાંક હેતુ માટેના પ્લોટ ફાળવવાની તેમની કામગીરીની પણ ખૂબ સરાહના થઈ હતી.
૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી વંથલી ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ જ સમારોહમાં મંત્રીના હસ્તે ‘જૂનાગઢ રત્ન’ એવોર્ડ હનુલ ચૌધરીને અર્પણ કરવામાં આવ્યો હતો.
કલેકટર રચિત રાજની’જૂનાગઢ રત્ન’ એવોર્ડ આપવાની પહેલને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વખાણી હતી.
‘જૂનાગઢ રત્ન’ એવોર્ડ ખરેખર જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને આગામી સમયમાં પ્રજાહિતની વધુ ઉત્તમ કામગીરી કરવા પ્રેરિત કરશે.





