
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
જિલ્લાકક્ષાના ૭૪ માં પ્રજાસતાકપર્વની ચીખલી ખાતે હર્ષોલ્લાસભેર કરેલી ઉજવણી કરાઈ
નવસારી જિલ્લા કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, ચીખલી ખાતે આન, બાન, અને શાનથી યોજાયો હતો.
રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે રાજ્યની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી પ્રતિબધ્ધ બની રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પબધ્ધ બનીએ. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશક્ત અને દિર્ઘદષ્ટીપુર્ણ નેતૃત્વને પગલે દેશે અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. રાજ્યની વિકાસયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના ઉર્જાવાન નેતૃત્વમાં મકકમતાથી આગળ વધી રહી છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ, સલામત અને સુરક્ષિત ગુજરાત માટે સરકાર કટિબધ્ધ બની છે. દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત થકી દેશ માનવબળ, ટેકનોલોજી અને લોકતાંત્રિક તથા સર્વગ્રાહી વિકાસની દ્રષ્ટિએ રાષ્ટ્ર વૈશ્વિક અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે.
કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે સુશાસન થકી રાજ્યએ અગ્રેસરતાથી આર્થિક વિકાસ, માનવ સંસાધન, સાર્વજનિક ઉપયોગીતા,સમાજ કલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષાના પાંચ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામ કર્યું છે. દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતું એવાં દેશભક્તોને આજે વંદન કરવાનો અવસર છે. આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહયાં છીએ. દેશની આઝાદીથી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.
કલેકટરશ્રી તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટીતંત્ર,આરોગ્ય, પોલીસ, ૧૦૮માં સારી કામગીરી કરનાર શ્રેષ્ઠ કર્મયોગીઓનું સન્માન તેમજ કરૂણા અભિયાન સંસ્થાના શ્રેષ્ઠ કામગીરી તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રી તેમજ મહાનુભાવોએ નેશનલ ક્રિક્રેટ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જિલ્લાની જુદી જુદી કચેરીઓની સિધ્ધિઓ ટેબ્લોઝ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમજ બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. કલેકટરશ્રીએ ચીખલી તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક પ્રાંત અધિકારીશ્રી અમિત ચૌધરીને અર્પણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ-અધિકારીઓ, ઉપસ્થિત રહયાં હતાં.



