
તા.૨૨ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
દેશના વિવિધ રાજ્યોના ૧૨૦૦ જેટલા તરવૈયાઓ સ્પર્ધામાં ભાગ લેવા ઉમટ્યા
મોટી સંખ્યામાં ઉમટેલા વાલીઓ તેમજ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થી તરવૈયાઓના જોમ અને ઉત્સાહ વચ્ચે, રાજ્યના સામાજિક ન્યાય અધિકારિતા તથા મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયાએ, આજે રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે સી.બી.એસ.ઈ. રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજકોટ જિલ્લા સ્વિમિંગ એસોસિએશન, ગુજરાત સ્વિમિંગ એસોસિએશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જીનીયસ સ્કૂલ, જય ઈન્ટરનેશન સ્કૂલ તથા એક્રોલોન્સ ક્લબના ઉપક્રમે અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ તથા અંડર-૧૯ વયજૂથના તરવૈયાઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૧૨૦૦ જેટલા તરવૈયાઓએ ભાગ લીધો છે.

આ સ્પર્ધાનું ઉદઘાટન કરતાં મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભ, રમતોત્સવનો જે ઉપક્રમ પ્રારંભ કરાવ્યો છે, તેનાથી આજે અનેક ખેલાડીઓને રમત-ગમતનું પ્લેટફોર્મ મળ્યું છે અને તેઓ દેશ-વિદેશમાં વિવિધ રમતોમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટમાં આવી સ્પર્ધાઓના આયોજનથી રંગીલું રાજકોટ ‘રમતપ્રેમી રાજકોટ’ બની રહ્યું છે. આ રાષ્ટ્રીય તરણસ્પર્ધા અનેક વિદ્યાર્થીઓના જીવનમાં નવી દિશા પાથનાર બની રહેશે. તેમણે પોતાના પ્રેરણાદાયી શબ્દોથી યુવા તરવૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રાજકોટ શહેરના પ્રથમ નાગરિક, મેયર ડૉ. પ્રદીપભાઈ ડવે તમામ ખેલાડીઓને આવકાર્યા હતા. આ સાથે તેમણે રમતગમતને પ્રોત્સાહન માટે રાજકોટ શહેરમાં વિવિધ સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ, ઈનડોર સ્ટેડિયમ્સ સહિતની સુવિધાઓ વિકસાવાઈ હોવાનું જણાવ્યું હતું.
આ તકે જીનીયસ સ્કૂલના ચેરમેન તથા આ તરણ સ્પર્ધાના ચેરમેનશ્રી ડી.વી. મહેતાએ સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. ઉદઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓની માર્ચપાસ્ટ યોજાઇ હતી, જે ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, રાજકોટ જિલ્લા સ્વિમિંગ એસોસિએશનના પ્રમુખશ્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશ મિરાણી, અન્ય રાજકીય અગ્રણીઓ, સ્ટેટ તથા નેશનલ સ્વિમિંગ એસોસિએશન-ફેડરેશન, સી.બી.એસ.ઈ.ના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.








