MORBIMORBI CITY / TALUKO

લક્ષ્મીવાસ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું સન્માન કરાયું

મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામ ખાતે કેબિનેટમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

આ સન્માન કાર્યક્રમ અન્વયે જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતોના કેબિનેટમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, તમારા બધાના આશીર્વાદથી જન સેવા માટે આ પદ મારા ભાગ્યમાં આવ્યું છે. રાજ્ય સરકાર છેવાળાના લોકોની સમસ્યાઓ-પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારની લોકો વચ્ચે જઈને લોકોના કામ કરવાની, લોકોને પડખે ઊભા રહેવાની નેમ છે. પ્રજાનો ભરોષો વિશેષ બળુકો બનશે એવી સતત કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત જૂના તળાવો/ચેકડેમોમાં ક્યાંક કોઈ કામ બાકી રહી ગયું હોય કે કોઈ સંપાદનની જરૂરિયાત હોય તો તેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે.

આ તકે મોરબી – માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નાના-વંચિત લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે પ્રજા પ્રત્યે હંમેશા ઉમદા વલણ કેળવ્યો છે અને કેળવતી રહેવાની છે.

આ સન્માન કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ આસપાસના ગામોના સરપંચશ્રી અને આગેવાનો સાથે બેઠક કરી હતી જે અન્વયે સરપંચશ્રીઓ અને આગેવાનોએ રજૂ કરેલા પાણી પુરવઠા, સિંચાઇ અને પુરવઠા વિભાગના વિવિધ પ્રશ્નો અન્વયે મંત્રીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં પીવાના પાણીની સુવિધાથી કોઈ વંચિત ન રહે તેવી અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અગ્રણીશ્રી પ્રાણજીવનભાઈ કાવરે કર્યુ હતું અને આભારવિધી અગ્રણીશ્રી મણીભાઈ સરડવાએ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડી.સી. પરમાર, જિલ્લા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી વાય.એમ. વંકાણી, માળિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ રાઠોડ, અગ્રણી સર્વશ્રી નિર્મલસિંહ જાડેજા, બાબુભાઈ હુંબલ, દેવાભાઈ અવાડિયા, સાગરભાઈ ફુલતરિયા, મનહરભાઈ બાવરવા, ગોપાલભાઈ સરડવા, અરજણભાઈ હુંબલ, બચુભાઈ સુંઢિયા, વિક્રમસિંહ જાડેજા અને આસપાસ ગામના સરપંચશ્રી/અગ્રણીઓ અને ઉદ્યોગપતિશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button