જામનગરની યુવતીને રાજકોટ બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદના જુહાપુરાના યુવક સામે રાજકોટમાં ફરિયાદ નોંધાઈ છે. તેણે જામનગરની યુવતીને રાજકોટ બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. તેણે જામનગરની યુવતીને રાજકોટ બોલાવીને હોટેલમાં લઈ જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતાં. તેણે મોબાઈલમાં ફોટા-વીડિયો ઉતારીને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. તેણે એવી ધમકી પણ આપી હતી કે, જો નહિ રાખે તો ફોટા વીડિયો વાઇરલ કરી દઈશ. યુવતીએ અંતે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરની યુવતી અગાઉ અમદાવાદમાં નોકરી કરતી હતી. આ દરમિયાન તેની સાથે જુહાપુરાનો એક વિધર્મી યુવક પણ નોકરી કરતો હતો. બંને સાથે નોકરી કરતાં હોવાથી મિત્રતા હતી.યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2018માં હું અમદાવાદમાં એક કંપનીમાં નોકરી કરતી હતી. ત્યારે મારી સાથે ઝુબીન પઠાણ નામનો યુવક પણ નોકરી કરતો હતો. સાથે નોકરી હોવાથી અમે મોબાઈલ પર વાતો પણ કરતાં હતાં.
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, 2019માં મેં કંપનીમાંથી રાજીનામું આપી દીધું
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, 2019માં મેં કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાજકોટ આવી ગઇ હતી. રાજકોટ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. ત્યારે પણ ઝુબીન સાથે વાતચીતનો વ્યવહાર ચાલુ હતો. એ પછી 2021માં ઝુબીન રાજકોટ આવ્યો હતો. અમે બંને મિત્ર હોવાથી તે મને વાતોમાં ભોળવી 150 ફૂટ રિંગ રોડ પરની ગેલેરિયા હોટલમાં લઇ ગયો હતો, જ્યાં તેણે જબરદસ્તીથી મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો અને મોબાઇલ ફોનમાં મારા ફોટા તથા વીડિયો પણ લઇ લીધા હતા.
તે મને અવારનવાર મેસેજ કરી ફોન કરી ફોટાઓ વાઇરલ કરી દેવાની ધમકી આપી પરેશાન કરતો હતો અને સંબંધ નહિ રાખે તો હું તારા પરિવારને ફોટા વીડિયો મોકલી દઇશ એવી ધમકી આપી હેરાન કરતો હતો. આ પછી મેં મારા ભાઈને વાત કરતાં તેણે હિંમત આપી હતી. સામાજિક કારણસર મેં આજ સુધી ફરિયાદ કરી નહોતી, પરંતુ ઝુબીન તરફથી ધમકી ચાલુ જ રહી હોવાથી અંતે ફરિયાદ કરવા પહોંચી હતી. હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.









