
ચૈતરભાઈ વસાવા 50000થી વધુ લીડથી ભરૂચની સીટ જીતી રહ્યા છે: ઈસુદાન ગઢવી

ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સારી એવી સીટો જીતી રહી છે: ઈસુદાન ગઢવી*
તાહિર મેમણ – 02/06/2024- આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, તેમાં ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી પોતાની બંને સીટ જીતી રહી છે. અમને પૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વસાવા 50000થી વધુ લીડથી ભરૂચની સીટ જીતી રહ્યા છે અને ઉમેશભાઈ મકવાણા પણ મોટી લીડથી ભાવનગરની સીટ જીતી રહ્યા છે.
આનો સ્પષ્ટ મતલબ થાય છે કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહી છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે. જોકે મને લાગે છે કે આ એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની વધુ સીટો જીતી શકે તેમ છે. ગુજરાતમાં હજુ ઘણી સીટો અમે જીતી રહ્યા છીએ તે એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહ્યું નથી. માટે અમને લાગે છે કે એક્ઝિટ પોલમાં પણ ક્યાંક ઉણપ છે. એક્ઝિટ પોલ ફક્ત એક અનુમાન હોય છે પરંતુ અસલી રીઝલ્ટ અલગ જ હોય છે. અમે સ્પષ્ટપણે કહીએ તો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સારી એવી સીટો જીતી રહી છે. 4 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે સાચું પરિણામ ખબર પડશે.








