ENTERTAINMENT

ભારતની પાયલ કાપડિયાએ રચ્યો ઈતિહાસ, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો

ભારતની પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ માટે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ  પ્રિક્સ એવોર્ડ મેળવી ઈતિહાસ રચ્યો છે. તે આ એવોર્ડ મેળવનારી પહેલી ભારતીય ફિલ્મ સર્જક બની છે. કોઈ ભારતીયની અને તે પણ મહિલા દિગ્દર્શકની ફિલ્મ આ ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધામાં પહોંચી હોય તેવું ૩૦ વર્ષે પહેલીવાર બન્યું છે.

કેન્સમાં પામ  દ ઓર એવોર્ડ પછી ગ્રાન્ડ  પ્રિક્સ બીજો ટોચનો એવોર્ડ ગણાય છે. શનિવારે રાતે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમયે અમેરિકાના દિગ્દર્શક સિએન બેકરને તેમની ફિલ્મ ‘અનોરા’ માટે પામ દ ઓર એવોર્ડ અપાયો હતો.

પાયલની ફિલ્મનું  સ્ક્રિનિંગ તા. ૨૩મીની રાતે થયું હતું. કોઈ ભારતીય અને તે પણ મહિલા દિગ્દર્શકની ફિલ્મ આ ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધા સુધી પહોંચી હોય તેવું ૩૦ વર્ષ પછી પહેલીવાર બન્યું હતું.  આ પહેલાં છેલ્લે ૧૯૯૪માં શાજી એન. કુરુનની ફિલ્મ ‘સ્વહમ’ આ સ્પર્ધામાં પહોંચી હતી.

પાયલને અમેરિકી એક્ટર વીઓલા ડેવિસના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. પાયલે એવોર્ડ સ્વીકારતી વખતે ફિલ્મની ત્રણ મુખ્ય હિરોઈનો કાની કુશ્રુતિ, દિવ્યા પ્રભા તથા છાયા કદમનો આભાર માન્યો હતો. પાયલે કહ્યું હતું કે આ અભિનેત્રીઓની પ્રતિભા  અને મહેનત વિના આ એવોર્ડ મેળવવાનું શક્ય ન હતું. પાયલે આ વખતે એમ પણ કહ્યું હતું કે હવે ભારતની કોઈ ફિલ્મને આ સ્તરે પહોંચતાં બીજાં ૩૦ વર્ષ ન લાગી જાય તેવી તેની અંતરની ઈચ્છા છે.

[wptube id="1252022"]
Back to top button