“આરોપીઓને ફાંસીની સજા આપો, જો જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ”: વિરેન્દ્રસિંહ

રાજકોટ : રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે ત્યારે આ ઘટના જે ટીઆરપી ગેમિંગ ઝોનમાં બની હતી તેને લઈને એક મોટા અહેવાલ આવ્યા છે. માહિતી અનુસાર શનિવારના દિવસે આ ગેમિંગ ઝોનમાં 99 રૂપિયાની ટિકિટ રખાઈ હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના લીધે જાનહાનિનો આંકડો ઊંચો રહ્યો છે. અનેક પરિવારોએ તેમના પ્રિયજનોને ખાસ કરીને બાળકોને ગુમાવી દીધા છે.
ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
રાજકોટ અગ્નિકાંડમાં પોતાના 5 સ્વજનો ગુમાવનાર વિરેન્દ્રસિંહ નામના એક વ્યક્તિએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આરોપીઓને ફાંસીની સજા મળે, જો આરોપીઓને જામીન મળ્યા તો તેઓ પોતે બધા આરોપીઓને મારી નાખશે. તેમણે એમ પણ કહ્યું કે સરકારી સહાય જોતી નથી. જેને કેસ લડવા જરૂર હોય તેને હું સહાય આપી દઈશ. જો આરોપીઓ જામીન પર છૂટશે તો તેમન મૃતદેહને પણ કોઈ ઓળખી નહીં શકે.
પાંચ દિવસ પહેલાં કોર્ટ મેરેજ કરનાર નવદંપત્તિનું અગ્નિકાંડમાં મોત
રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોન લાગેલ આગમાં કેનેડાથી ગુજરાત આવેલ અક્ષય ઢોલરીયાનું 24 વર્ષની વયે નિધન થયું છે. અક્ષય લગ્ન માટે આવ્યો હતો અને ખ્યાતિ સાવલિયા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બંને હવે ધામધૂમથી પણ લગ્ન કરવાના હતા. પરંતુ કુદરતને આ મંજૂર નહોતું. ગેમ ઝોનમાં લાગેલ આગમાં બંનેની જિંદગી હોમાઈ ગઈ હતી. પરિજનોના DNA સેમ્પલ દ્વારા મૃતદેહોની શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.અક્ષય મૂળ રાજકોટનો હતો. પરંતુ કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. જ્યારે ખ્યાતિબેન મેઘાણીનગરમાં રહેતી હતી. તેમના પિતા કિશોરભાઈ અને માતા હીનાબેન USAમાં રહે છે. નોંધનીય છે કે,ગેમ ઝોનમાં શનિવારે (25મી મે) સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મૃત્યુઆંક 32 થયો છે
ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી બિયરના ટીન મળ્યા
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસ આદેશ આપ્યા છે. ત્યારે અગ્નિકાંડ મામલે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગેમ ઝોનમાં સંચાલકની ઓફિસમાંથી બિયરની બોટલો મળી આવી છે. જેના કારણે અહીં દારૂની પાર્ટીઓ થતી હોવાની શંકાઓ ઉપજી છે.
ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.









