
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામની બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવાઓ ચાલતા હોવાના કારણે ચાર દિવસથી પંચાયતની લાઈનમાં ભંગાણ પડેલ છે.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા બજારમાં થઈને પાણેથા, ઈન્દોર, નાનાવાસણા વિગેરેની નર્મદા કિનારાની જમીનોમાંથી નદીના ચાલુ પ્રવાહ તથા પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે, રેતી ખનન થયા બાદ ઓવરલોડ તેમજ નદીના ચાલુ પ્રવાહમાંથી ઉલેચાયેલી રેતી ભરીને પાણી નીતળતી ચાલતી ટ્રકો સરકારની તિજોરી પર પણ મોટો ફટકો મારી રહી છે, ઉમલ્લા ખાતેથી બજારમાંથી પસાર થતી ટ્રકોના કારણે છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે, ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ ક્યાં ભંગાણ પડ્યું છે તે મળી રહ્યું નથી, ચાર દિવસથી ઉમલ્લાના ગ્રામજનો કેટલાક વિસ્તારમાં પાણી માટે ટળવળે છે, ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે, તેમણે જણાવ્યું છે કે ઓવરલોડ રેતીના વહનની ટ્રકો ના કારણે પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું ભંગાણ પડ્યું છે, ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે, ઉમલ્લા ગામમાંથી બે નંબરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ વાહનો રેતીના વાહનો ચાલે છે જેના કારણે અવારનવાર ગ્રામ પંચાયતની પાણીની લાઈનો ફૂટી જાય છે, અકસ્માતો થાય છે અને સ્થાનિકોને વેપાર ધંધા માટે પણ અવિરત ચાલતી ટ્રકોના કારણે સમસ્યાઓ ઊભી થાય છે, તે જો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો મોટાપાયે આંદોલન કરવાની ચિમકી ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે ઉચ્ચારી છે, હવે જોવાનું રહ્યું કે રેતીના આ બે નંબરના ગોરખ ધંધા સાથે સંકળાયેલા રાજકીય નેતાઓ ઉમલ્લાના ગામની બજારમાંથી ઓવરલોડ તેમજ પાણી નીતળતી ચાલતી રેતીની હાઈવા ટ્રકો બંધ કરાવે છે કે પછી રેતીની ટ્રકો યથાવત ચાલતી જ રહેશે !
ઈરફાન ખત્રી
રાજપારડી