
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન હરિયાણાની તમામ 10 બેઠકો પર શનિવારે મતદાન થઈ રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુરુગ્રામના બાદશાહપુરથી અપક્ષના ધારાસભ્ય રાકેશ દૌલતાબાદનું 45 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટએટેક આવ્યો હતો. ધારાસભ્યના નિધનથી વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
માહિતી અનુસાર સવારે લગભગ 10:30 વાગ્યે હાર્ટએટેક આવતા તેમને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનો જીવ બચાવી શકાયો નહોતો. રાકેશ દૌલતાબાદે 2019ની વિધાનસભા ચૂંટણીમાં બાદશાહપુર બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે ભાજપને ટેકો જાહેર કરી દીધો હતો. તેમણે ભાજપના જ ઉમેદવાર મનીષ યાદવને હરાવ્યા હતા. તેમની છબિ એક સમાજસેવક તરીકેની હતી.
હરિયાણામાં તાજેતરમાં રાજકીય ખેંચતાણ વચ્ચે ધારાસભ્ય દૌલતાબાદ ભાજપને ટેકો આપ્યો હતો. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો જેના કારણ નાયબ સિંહ સૈની સરકાર પર સંકટના વાદળો ઘેરાયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ હવે દૌલતાબાદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.