RAMESH SAVANI

મીડિયાને નિયંત્રિત કરો એટલે લોકોના માઈન્ડ નિયંત્રિત થઈ જાય !

સુપ્રીમકોર્ટના જસ્ટિસ બી. આર. ગવઈ તથા જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે 15 મે 2024ના રોજ દિલ્હી સ્થિત સ્વતંત્ર મીડિયા પોર્ટલ ‘ન્યૂઝક્લિક’ના સંસ્થાપક પ્રબિર પુરકાયસ્થની ધરપકડ અને રીમાન્ડને ગેરકાયદેસર ઠરાવી છે અને તેમને જેલમુક્ત કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમકોર્ટના આ ચુકાદાથી દિલ્હી પોલીસનું અને વડાપ્રધાનનું નાક કપાયું છે ! વડાપ્રધાનને સવાલ પૂછનારા પત્રકારો જાણે આતંકવાદી હોય તે રીતે UAPA-Unlawful Activities (Prevention) Act, 1967 હેઠળ જેલમાં પૂરવામાં આવે છે. ધરપકડનું લેખિત કારણ આપવામાં ન આવે તો તેવી ધરપકડ અને રીમાન્ડની કાર્યવાહી ગેરકાયદેસર છે.
9 ફેબ્રુઆરી 2021 ના રોજ ED-Enforcement Directorateની ટીમ ‘ન્યૂઝક્લિક’ના પત્રકારોના નિવાસસ્થાન ઉપર ત્રાટકી હતી ! પોર્ટલના માલિક પ્રબીર પુરકાયસ્થ અને સંપાદક પ્રાજંલને ભીંસમાં લીધા. EDના મતે ‘ન્યૂઝક્લિક ઉપર દરોડો પાડવાનું કારણ મની લોન્ડ્રિંગ હતું. સપ્ટેમ્બર 2021માં EDએ ન્યૂઝક્લિક પર રેઈડ કરી હતી. 86 કરોડથી વધુ વિદેશી ધનરાશિની તપાસ ED કરે છે. આક્ષેપ છે કે “ન્યૂઝક્લિકને, અમેરિકાની Justice and Education Fund Inc. America, The Tricontinental Limited Inc. America, GSpan LLC દ્વારા ધન મળ્યું છે ! અમેરિકાના કરોડપતિ નેવિલ રોય સિંઘમ તરફથી ન્યૂઝ ક્લિકને ફંડ મળ્યું છે, આ સિંઘમને ચીનના મીડિયા સાથે નજીકના સંબંધ છે.“
થોડાં મુદ્દાઓ : [1] સત્તાપક્ષનો જુલમ તો જૂઓ; એક તરફ કોર્પોરેટ મીડિયા/ગોદી મીડિયા વડાપ્રધાનની આરતી ઊતારે છે; વડાપ્રધાનને યુગપુરુષ/ વિશ્વગુરુ/ પરમ પરમેશ્વર તરીકે રજૂ કરે છે ! તો બીજી તરફ વડાપ્રધાન અને તેમની નીતિઓની આલોચના ન થાય તે માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે ! પ્રશંસા કરો તો બધી છૂટ અને ટીકા-ટિપ્પણી કરો તો હેરાન-હેરાન ! [2] સરકાર સ્વતંત્ર પત્રકારો ઉપર દેશદ્રોહ-Seditionનો કેસ કરી જેલમાં પૂરે છે છતાં સરકારને સંતોષ થતો નથી. પત્રકારોને ચૂપ કરવા માનહાનિનો દાવો- defamation suits કરાવે છે; છતાં સરકારને સંતોષ થતો નથી ! એટલે સરકારે ED દ્વારા રેઈડ પડાવીને સ્વતંત્ર મીડિયાને સીઘાદોર કરવા પગલું ભર્યું હતું. સરકાર પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા ED/CBI/ITનો દુરુપયોગ કરે છે ! [3] પત્રકાર વડાપ્રધાનની ટીકા કરે તો તે દેશદ્રોહી કઈ રીતે થઈ જાય? શું વડાપ્રધાન ટીકાથી પર છે? શું વડાપ્રધાન પોતાને દેશ માને છે? શું વડાપ્રધાન દેશના જહાંપનાહ છે? [4] તાનાશાહ ક્યારેય આલોચના સહન કરી શકતા નથી. તાનાશાહ હંમેશા આત્મમુગ્ધ હોય છે ! [5] 7 ઓગસ્ટ 2023ના રોજ, ED-Enforcement Directorate એ માહિતી આપી હતી કે ‘ભારતમાં કેટલાંક પત્રકારોને ચીને પૈસા આપ્યા છે ! ન્યૂઝક્લિક પોર્ટલની તપાસમાં આ હકીકત ખૂલી છે !’ માહિતી ખાતાના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ‘અમે 2021થી દુનિયાને બતાવી રહ્યા છીએ કે ન્યૂઝક્લિક, ચીની દુષ્પ્રચારનું એક ખતરનાક વૈશ્વિક નેટવર્ક છે; જે ફર્જી સમાચારો ફેલાવે છે !’ ચીન ભારત કરતાં અનેક ઘણું દરેક ક્ષેત્રમાં આગળ છે; ચીનને ભારતની છબિ ખરાબ કરવાથી શું લાભ થાય? જ્યારે ભારતની છબિ ખુદ કેન્દ્ર સરકાર/ ખુદ વડાપ્રધાન ખરાબ કરતા હોય તો ચીન શામાટે નાણાં ખર્ચે? મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ/ ગેંગ રેપ/ હત્યાઓ/ નિર્વાસિતોથી ભરેલ છાવણીઓ/ દેશમાં ઠેરઠેર સાંપ્રદાયિક ઝેર ફેલાવાથી દેશની ઈમેજ ખરાબ થતી નથી? દેશને ગૌરવ અપાવનાર મહિલા પહેલવાનોના યૌન શોષણ માટે FIR નોંધાવવા ઠેઠ સુપ્રિમકોર્ટ સુધી જવું પડે તેથી દેશની આબરુ ખંડિત થતી નથી? ‘ગોલી મારો સાલો કો’ કહેનારને/ તડિપારને મિનિસ્ટર બનાવે ત્યારે દેશની ઈમેજ શું મજબૂત થાય છે?[6] અમેરિકન કંપની ફંડ આપે તો ‘ન્યૂઝક્લિક’ ચીની ‘દલાલ’ થઈ જાય? અવતારીની વાહવાહી કરતી NGOને વિદેશથી ફંડ મળે તો તે ‘પવિત્ર’ થઈ જાય? [7] શું EDનો આ દુરુપયોગ નથી? શું આટલા માટે જ નિવૃત થઈ ગયેલ સંજયકુમાર મિશ્રાને ઉપરાઉપરી એક્સટેન્શન અપાયું ન હતું? [8] આજે સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે; કુપોષણ છે; મોંઘવારી છે; અતિ મોંઘા શિક્ષણની છે; કથળેલી આરોગ્ય સેવાની છે; સામાજિક અસમાનતાની છે; કોમી નફરતની છે; ચીનની ઘૂસણખોરીની છે; પરંતુ આ બાબતો ટીવી ડીબેટમાં હોય છે ખરી? ત્યાં હિન્દુ-મુસ્લિમની નફરત હોય છે; તમામ ડીબેટનો નિચોડ એ હોય છે કે ‘મુસ્લિમોથી માત્ર અવતારી પુરુષ જ બચાવી શકે તેમ છે ! મોટા ભાગના ગોદી મીડિયાના માલિકો કોર્પોરેટ કંપનીઓ છે. તેમને જે જોઈએ તે સરકાર પાસેથી મળે છે, એટલે તે સરકારને સવાલ ન પૂછે તે સ્વાભાવિક છે. સરકાર જાહેરખબરના હથિયાર વડે મીડિયાને ગોદી બનાવી શકે છે. આશ્ચર્યની બાબત એ છે કે જયારે અર્થવ્યવસ્થા ઠપ થઈને પડી હતી ત્યારે જાહેરખબરનો ઉદ્યોગ 13% વધી ગયો હતો ! [9] જે શાસક મીડિયાને નિયંત્રિત કરે છે તે લોકોના માઈન્ડ પણ નિયંત્રિત કરી શકે છે ! વડાપ્રધાને વિપક્ષના તમામ નેતાઓને ધૂળ ચાટતાં કરી દીધાં છે ! આ માટે વડાપ્રધાનને કોઈ શ્રમ કરવો પડતો નથી; આ કામ ગોદી મીડિયા કરે છે ! અવતારી પુરુષનું આભામંડળ ગોદી મીડિયાએ સર્જ્યું છે. લોકો આભામંડળથી અંજાઈ જાય તે સ્વાભાવિક છે.! મીડિયા ભ્રષ્ટને દેવદૂત બતાવે છે અને દેવદૂતને રાક્ષસ ઠરાવી શકે છે ! [10] World Press Freedom Index 2023 મુજબ ભારતનો ક્રમાંક 180 દેશોમાં 161 હતો અને 2024માં 159 છે. આટલી કથળેલી સ્થિતિ શું સૂચવે છે? ‘મધર ઓફ ડેમોક્રસી’ની આ હાલત?
સૌથી મોટો સવાલ એ છે કે પત્રકાર પ્રબિર પુરકાયસ્થને 196 દિવસ જેલમાં રહેવું પડ્યું તેનું શું? તે માટે દિલ્હી પોલીસ/ EDના અધિકારીઓની જવાબદારી કોણ નક્કી કરશે? જ્યાં સધી સુપ્રિમકોર્ટ સત્તાનો દુરુપયોગ કરનારને જેલમાં નહીં પૂરે ત્યાં સુધી સત્તાના જહાંપનાહો સુધરવાના નથી !rs

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button